આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પ્રભુ છે ? : ૫૭
 


'અશોક ! તારા પિતા જતાં મેં તને સોંપ્યો છે પરમાત્માને ! તું જ્યાં હો ત્યાં એ તારું રક્ષણ કરે !'

'મા ! એમાં પ્રભુનું મરણ કે પ્રભુનું રક્ષણ હોય જ નહિ. એ માર્ગ પ્રભુવિરોધી છે.' અશોકે વધારે સમજ પાડી.

'વેરભાવે ભજનારને પણ પ્રભુએ મુક્તિ આપી છે, ભાઈ ! આ તો કાંઈ પ્રભુવિરોધી માર્ગ લાગ્યો નહિ. આખી માનવજાતને મુક્તિ મળે એ જ ભગવાનનો માર્ગ !'

મા સુધરે એમ પુત્રને લાગ્યું નહિ. વ્યક્તિ માટે કાંઈ માનવસંચલનો રસળતાં રહી શકે? દીકરાએ મોડાં વહેલાં, રાત બેરાત, જવા આવવા માંડ્યું. કાંઈ ગુપ્ત પ્રવૃત્તિ આદરી હોય એમ તેના મુખ ઉપરની રેખાઓ કહેવા લાગી. ઘેર રહે ત્યારે પુત્ર કાંઈ ને કાંઈ લખતો જ રહેતા હોય એમ માતાએ જોયું. પરગામ જતો ત્યારે ચાર છ દિવસ સુધી તે ક્યાં હતો તેની માતાને ખબર પડતી નહિ. મા કદી પૂછતી ત્યારે અશોક સહજ મોટાઈભર્યું હસી કહેતો: 'મા! તું એક ક્રાન્તિકારીની માતાનું માન પામનારી છો !'

એ માન જયારે સુનંદાને મળવું હોય ત્યારે મળે. માન મળે કે ન મળે છતાં બાળક અશોકનું જેમ એ પાલન કરતી હતી તેમ જ એ ગ્રેજ્યુએટ ક્રાન્તિકારી અશેકનું પોષણ કરતી ચાલી. એક ફેરફાર તે અશોકમાં જોઈ શકી : માની માફક અશોક પણ જાણે વ્રત કરતો હોય તેમ ઓછું જમતો, મિષ્ટ વસ્તુઓને બાજુએ મૂકતો અને ઘરકામની પોતાની બાબતો તે હાથે જ આગ્રહપૂર્વક કરી લેતો. પહેલાં માતા તેનાં વસ્ત્રો ધોતી, પથારી સાફ કરતી, તેનાં વાસણ માંજતી; હવે અશોકે એ કાર્ય પણ હાથે જ કરવા માંડ્યાં–દેખાવ ખાતર નહિ; પણ મનથી જ. અને જરા ય ધાંધલ વગર.

માએ એક દિવસ પૂછ્યું : 'અશોક ! તું શું કરે છે આ?'

'કેમ, મા? તારું આટલું ભારણ તો હળવું કરું?'

'ધર્મિષ્ઠ બનતો જાય છે શું ?'