આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૨ : કાંચન અને ગેરુ
 

ગાડી કરતાં પણ વધારે ઉછાળા, વધારે ધબકારા અને વધારે વેગ અનુભવતો અશોક બે વર્ષે પાછો પોતાના નાનકડા ઘરમાં આવ્યો. ઘર શાંત અને નિરવ હતું. ક્રાન્તિ સફળ થઈ હોત અને જે ધબકાર એણે અનુભવ્યો હોત, એના કરતાં પણ વધારે પ્રચંડ ધબકાર તેના હૃદયે અનુભવ્યો.

અસ્વસ્થ ચિત્તે એણે ઘરમાં પ્રવેશ કર્યો.

હાડપિંજર બની ગયેલી મા સફેદ વસ્ત્ર ઓઢી પથારીમાં આંખ મીંચી સુતી હતી ! એનું મુખ દેખાતું ન હોત તો પથારી ખાલી ખાલી જ લાગતી.

પાસે પડોશમાંની કોઈ બાઈ આવીને બેઠી હતી. એક કકડા વડે સુનંદાના મુખ ઉપર કદી કદી ઝડપી જતી માખીને ઉડાડતી હતી.

અશોકની આંખ આંસુથી ઊભરાઈ ગઈ. વર્ષોથી લોખંડી હૃદય બનાવી બેઠેલો અશોક આછું ડૂસકું ખાઈ ગયો.

સુનંદાએ થાક ભરેલી આંખો સહજ ઉઘાડી. દેહને પાંપણનો ભાર પણ ભારે લાગતો હતો. બે હાથ જેટલે દૂર પણ ન સંભળાય એવા સાદે સુનંદા બોલી : ' ભાઈ ! આવ્યો ? '

અશોક માને અડકીને પાસે બેઠો. માતાનો હાથ ઊપડતો ન હતો, છતાં પુત્રના મુખ ઉપર પ્રસરવા તે લંબાયો. પડી જતા હાથને અશોકે પોતાના હાથમાં લીધો. સુનંદાના થાકેલા મુખ ઉપર સહજ શાન્તિ વળી. સ્વસ્થ શ્વાસ લેવા સુનંદાએ આંખો મીંચી. થોડી વારે સુનંદાએ કહ્યું : 'અશોક ! ચાર છ માસ...તને હરકત...ન પડે... એટલું ઘરમાં છે...હું જઉં તો... બીશ નહિ...ગભરાઈશ નહિ... રડીશ નહિ....'

અશોક તો ક્યારનો યે રડી રહ્યો હતો. મરતે મરતે પણ મા પુત્રને છ માસ નિર્ભય કરતી હતી ! એની પાછળ માના કેટલા ઉપવાસ હશે ?

'ભગવાન !... મારા પ્રભુ !...' સુનંદાએ ધીમે ધીમે પ્રભુનું