આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ભૂતકાળ ન જોઈએ : ૬૭
 

રડી પડી. તેણે મુખ ઉપર સાડીનો છેડો ઢાંકી દીધો.

વિજય તેની પાસે ગયો. તેને વાંસે હાથ ફેરવી તેને રડવા દીધી. કપિલા અને વિજયને આ સ્થિતિમાં નિહાળી વિજયની માતા પણ ત્યાં આવેલાં પાછાં ખસી ગયાં – પોતે ત્યાં આવ્યાં હતાં એની ખબર પણ પડવા દીધા સિવાય. જરા રહી, પડતાં અશ્રુ પડવા દઈ સહજ હસી કપિલા બોલી : 'વિજય ! તું આટલો બધો સારો કેમ છે?'

'આવાં પ્રમાણપત્રો કદી કદી આપતી રહે તો મારો પગાર પણ વધે. પણ તું આમ આજે રડે છે કેમ?'

'મને ખરેખર રડવું એમ આવે છે કે તારા જેવા સારા પતિ...'

'જો પાછી ! મારા સારાપણાની માળા પછી જપજે. હમણાં તો તને હિસ્ટીરિયાની અસર લાગે છે. તું બેસ; હું ચા કરી આપું.' કહી વિજયે કપિલાને એક ખુરશી ઉપર બેસાડી પોતે ચા બનાવવા માટે જરા ખસ્યો – પરંતુ કપિલાએ તેને હાથ પકડી રાખ્યો હતો, અને વિજય સામે જોઈ હસી રહી હતી.

'કેમ ? મારા ઉપર કવિતા લખવાનો વિચાર છે?' વિજયે પૂછ્યું.

'વિજય ! કવિતા કરતાં પણ વધારે સારું, વધારે રૂપાળું લખાતું હોત તો હું તારે માટે લખત. તું મને પૂછતો કેમ નથી કે આ કાગળમાં શું છે?' કપિલા બોલી.

‘મારે તારી સાથે નિસ્બત, તારા કાગળ સાથે નહિ !' વિજયે જવાબ આપ્યો.

'ભલે; છતાં આ વાંચ.'

'નહિ ચાલે?'

'ના, તારાથી મારે કાંઈ જ છૂપું રાખવું નથી.'

'જો. કપિલા ! આપણે લગ્ન કર્યું ત્યારે તારી પહેલી શરત શી હતી?'