આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ભૂતકાળ ન જોઈ એ : ૭૩
 

સલાહ આપી : 'દવાની કોઈ જરૂર નથી. છતાં આપું છું; પણ મારી સલાહ છે કે તું પરણી જા.'

કપિલાને વધારે ભય ઉત્પન્ન થયો. ડૉકટર પણ એ જ સલાહ આપે છે ! એનો શો અર્થ? તેણે પૂછ્યું : 'ડોક્ટર ! તમે ક્યાં પરણ્યાં છો ? તમે પણ “મિસ" છો !'

'ચાવળી ન થા. તું ડૉકટર છે?'

'જેને પરણવા માગતી હતી તે ના કહે છે.'

'એને નાખ બાજુ ઉપર. તને ના કહેનાર નાલાયક તને ન પરણે એ જ સારું અને તારા જેવી રૂપાળી છોકરી...જેને તું કહીશ તે તને પરણી જશે.' હસમુખી બાનુ ડૉક્ટરે હસતે હસતે કહ્યું.

ગંભીરતા વધારી કપિલાએ પૂછ્યું : 'બીજો ઇલાજ નથી ?'

‘પહેલી હા પાડનારને જ પરણી જા.' ડોકટરની મજાક પણ દવા જેવી જ તીખી હોય છે – કડવી ન હોય ત્યારે. પછી એ ડૉકટર પુરુષ હોય કે સ્ત્રી !

કપિલાને આ સલાહમાં અને મજાકમાં ગૂઢાર્થ દેખાયો. તેની કલ્પનાએ તેને લગભગ ઘેલી બનાવી દીધી. તેના મૂર્છિત બનતા માનસે તેનામાં એક જાતનો ભયંકર નિશ્ચય જન્માવ્યો. જેના પ્રેમ ઉપર વિશ્વાસ હતો એણે જોખમમાં પડવાની ના પાડી ! અને કપિલા — એકલી બનેલી કપિલાને ભાગે કેટલું જોખમ ? ડૉકટરે કહ્યું તેમ કોઈ પરણનાર ન નીકળે તો ? જનતાને મુખ કેમ બતાવાય ? આઝાદીનાં શોખીન સ્ત્રીપુરુષો જનતાની નિંદાથી જેવાં ડરે છે એવાં બીજાંથી ભાગ્યે જ ડરતાં હશે !

સંધ્યાકાળે એકાંત સાર્વજનિક બગીચાની એક ઘટા નીચે બેસી કપિલાએ એક લાંબો પત્ર લખ્યો. પત્ર ફરી ફરી વાંચ્યો. વાંચતે વાંચતે તેની આંખમાં આંસુ આવ્યાં. આંસુ આવતાં બરાબર તે બેભાન બની ઢળી પડી. અકસ્માત વિજય ત્યાંથી પસાર થતો