આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ભૂતકાળ ન જોઈએ : ૮૧
 


'હા. વાતચીત.'

'શાના ઉપર ?'

'નવી દુનિયાનું આર્થિક ઘડતર...'

'દુનિયા કાંઈ નવી લાગતી નથી ! હશે, તો કાલે આવજે.'

'કાલ તો રહેવાય એમ છે જ નહિ; હું ક્યારનો કપિલાને વિનવી રહ્યો છું કે એ મારાં મહેમાન તરીકે આજના જમણમાં મારી સાથે આવે.'

'ભલે, જઈ આવ. બહુ વર્ષે તમે મળો છો. તારે જવું જોઈએ, કપિલા !' વિજયે કહ્યું.

'છોકરી નાની છે. એને કોણ રાખે?' કપિલાએ જવાબ આપ્યો.

'અરે ! હું રાખીશ. હું પરણ્યો છું શા માટે ?' વિજયે કહ્યું.

'સાચું. હવે તો બાળઉછેરમાં પતિએ પણ ભાગ લેવાનો છે.' સુધાકર બોલ્યો.

'હું વિજયના સાથ વગર ક્યાંયે જતી નથી.' કપિલા બોલી.

'અરે ! સુધાકર; આ તારી કપિલા તો એટલી પતિવ્રતા બની ગઈ છે કે શું કહું ! મને ઘણી વાર મુશ્કેલીમાં મૂકી દે છે.' વિજયે કહ્યું.

'એમ? કોણ કહી શકે કે જે કપિલા લગ્નમાં માનતી ન હતી તે આવી અંધ—પતિભક્ત બની જશે?' સુધાકરે સહેજ નિઃશ્વાસ નાખ્યો.

વિજયાના મુખ ઉપર સહેજ કડવાશ આવી – જોકે તેણે પોતાનો હાથ મુખ ઉપર ફેરવીને કડવાશને જાણે ખસેડી નાખી.

કપિલાના મુખ ઉપર સહજ ભય દેખાયો. સુધાકર એના, એટલે કપિલાના ભૂતકાળમાં ન જાય તો વધારે સારું એમ તેને લાગવા માંડ્યું. પરંતુ સુધાકરને રોકવો કેમ? એ પોતે જ કપિલાના ભૂતકાળનો એક ટૂકડો હતો !