આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
એક પાત્રમાં ફદિયું મેલીને, મંદિરમાં અર્પણ કરો ને,
તો તમને સંતોષ વળશે ને. "
પછી રન્નાદેએ વ્રત કર્યું ને
છ મહિના વ્રત, વાત સાંભળીને ખાવાનું ને.
એમને તો એક દિવસ વાત સાંભળનાર મળે નહિ ને,
વનમાં ગૌતમ ૠષિ બેઠા'તા ને,
ૠષિના શાપે અહલ્યા શલ્યા હતાં ને,
તે શલ્યા અગાડી ૠષિ બેઠેલા છે ને,
ત્યાં આગળ રન્નાદે વાત કહેવા ગયાં ને,
શલ્યા હતા તે અહલ્યા થઈ ગયાં ને.
બીજે વને ગયાં ને,
સીતારામ બેઠાં'તા ને
ત્યાં આગળ સીતારામને વાત કરી ને,
સીતામાતાએ વ્રત કર્યાં ને,
વનવાસ છોડી અયોધ્યા ગયા ને;
અયોધ્યાની ગાદીએ બેઠાં ને.
દુઃખના માર્યાં તારામતી પાણી ભરતાં'તાં ને,
હરિશ્ચંદ્ર રાજા પરઘેર મજૂરી કરતા'તા ને,
હરિશ્ચંદ્ર રાજા, તારામતી અને રન્નાદે ત્રણે બેઠાં છે ને
રન્નાદેએ વાત કહી ને,
એમના દુઃખના દહાડા નિવારણ થઈ ગયા ને,
સૂર્યનારાયણની સહાયતાએ,
એમને એમનાં અમર રાજ મળ્યાં ને.
રન્નાદે ઘેર આવ્યાં ને.
સૂર્યનારાયણે અખેપાત્ર સામું જોયું ને ;
એમને મનમાં વિચાર થયો ને ;
રન્નાદેને નગર જમાડ્યાની વરતી છે ને,
એની કૃપાદૃષ્ટિથી અખેપાત્રમાં અન્ન ઊભરાયાં ને,
રિદ્ધિસિદ્ધિ બે બારણે થઈ રહી ને,
સૂર્યનારાયણનાં કરેલાં વ્રત પરિપૂર્ણ થયાં ને,