આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ભાઈબીજ


ભાઈબીજ એટલે કારતક મહિનાની અજવાળી બીજ.

તે દા'ડે ભાઈ બેનને ઘેર જમવા જાય. સગી બેન ન હોય તો કાકા, મામા કે માસીની દીકરી બેનને ઘેર જમે.

તેય ન હોય તો પાડોશીની દીકરીને બેન માની લ્યે. ને તે પણ ન મળે તો ગાયને કે નદીને બેન કરે. એય ન હોય તો વનરાઈને બેન કરે.

ભાઈબીજને દા'ડે જમનાજીએ પોતાના ભાઈ જમને જમવા તેડ્યા'તા. ભાઈબેને એકબીજાની પૂજા કરી'તી. જમી કરીને જમરાજે કહ્યું'તું કે હે બેન જમના ! હું તને શી ભેટ આપું ?

ત્યારે જમનાજીએ માગ્યું'તું કે હે ભાઈ, હું તારી નાની બેન, આટલું જ માગું છું કે આજનો દિન ભાઈબીજનો દિન કે'વાજો અને આ દા'ડે મારાં નીરમાં નહાનાર માનવીને તારું તેડું ન થજો ! અને, હે ભાઈ, આજ તું મારે ઘેર આવીને જમ્યો, તેમ રાજના બધા કેદીઓને પણ રાજાઓ ભાઈબીજને દા'ડે પોતપોતાની બેનને ઘેર જમવા જવા દેજો !

જમરાજાએ તો બેનને ભાઈબીજનું આ વરદાન દીધું છે; ને ત્યારથી ભાઈબીજનું વ્રત ચાલેલું છે.


ધનુર્માસ


ખીસર (મકરસંક્રાન્તિ) આડે જે એક મહિનો રહે તેને ધનુર્માસ કહે.અરધો માગશર અને અરધો પોષ મળીને ધનુર્માસ થાય. મોટી બાઈઓ ધનુર્માસ ના'ય.


ચાંદરડાં છતે ના'ય
દી ઊગ્યામોર્ય ખાય
ભર્યે ભાણે ખાય.

ગામને પાદર તળાવ હોય તેમાંથી વ્રત કરનારીઓ એક્કેક ખોબો વેળુ ઉપાડીને પાળ ઉપર નાખી આવે.એક્કેક ખોબો ગાળ કાઢે તેને અક્કેક નવાણ ગળાવ્યા જેટલું પુણ્ય થાય.

હજારો સ્ત્રીઓ અક્કેક ખોબા લાગટ ત્રીસ દહાડા સુધી ગાળ ઉલેચ્યા જ કરે. એટલે ગામનું તળાવ બુરાઈ ન જાય.

ઘેર આવી નવાં અનાજ પાક્યાં હોય તેની ખીચડી રાંધે. રાંધીને એક ટાણું ખાય.