આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

વાટ જોઈ જોઈને તો પરોઢ થયું છે. સોનાનો તો સૂરજ ઊગ્યો છે.

"હે અસ્ત્રી ! મને તો ભૂખ લાગી છે ને થાક લાગ્યો છે. વાટ જોતાં વેળા ખૂટશે નહિ માટે હાલો આપણે નવકૂકરી રમીએ."

દેરાને ઓટે પ્રભાતને પો'રે વર-વહુ નવકૂકરી રમે છે.

પ્રભાતે બે ગોવાળિયા એનાં વાછરું ખોવાણા છે તે ગોતવા નીકળ્યા છે. બેય જણાએ વર-વહુને નવકૂકરી રમતાં દીઠાં છે. બેય જણ વાતો કરવા માંડ્યા છે.

"એલા એય ! ઓલ્યાં મૂરખ્યાં બામણિયાં તો જો ! ઘરે આરડભેરડ કરી રિયાં છે. દીકરાને કૂટી રિયાં છે. અને આ તો મારાં દીકરાં બેય જણાં નવકૂકરી રમે છે."

"હાલ્ય, હાલ્ય, આપણે ગામમાં જઈને વાત કરીએ."

બેય ગોવાળિયાએ તો હાથમાં પગરખાં લઈને હડી મેલી છે. ઘેર જઈને બામણને તો વાત કરી છે. રોકકળ તો થંભી ગઈ છે.

ડોસો કહે છે કે "અરે ભાઈ, તમે શીદ અમારી ઠેકડી કરો છો ?"

ડોસો તો ભાંગ્યે પગે દેરે દોડ્યો જાય છે. જઈને જુએ ત્યાં સાચોસાચ વહુ-દીકરો નવકૂકરી રમે છે !

વરઘોડિયાંને તો ગામમાં લાવી વાજતે ગાજતે સામૈયું કર્યું છે.

🌿

એમ કરતા આસો માસ આવ્યો છે. બાઈને તો દસૈયાનું આણું આવ્યું છે. પણ ચારે માતાજીએ તો બાઈને કહી રાખ્યું'તું કે "પિયર જઈશ નહિ."

બાઈ બોલી કે "કે'નાર કહી રહ્યા. મારે પિયર નથી આવવું. મારે આવવું હશે ત્યારે મારી જાણે વાવડ મેલીશ. આણું પરિયાણું બધું એ ટાણે કરજો."

પિયરિયાં પાછાં ગયાં છે ને બાઈને તો આશા રહી છે. દી પછી દી ચડ્યે જાય છે.

નવ મહીને તો દૂધ જેવો દીકરો આવ્યો છે.

રાત પડી છે. રાંધીચીંધી, વહુના ખાટલા હેઠળ શેક નાખી સાસુ તો ઓસરીમાં સૂતી છે. દીકરો માચીમાં સૂતો છે. ઝડાસ્તો દીવો બળે છે.

અધરાત થઈ ત્યાં તો એવરતમા આવ્યાં છે.

"દીકરી ! દીકરી ! સૂતી છો કે જાગછ?"

"જાગું છું જ, માતાજી !"

"કોલ દીધો'તો ઈ સાંભરે છે કે ?"

"સાંભરે જ તો, માતાજી !"

"માગું ઈ આપીશ કે ?"

"આપીશ જ તો. "

"તારો છોકરો દઈશ કે ?"