આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સવાર પડ્યું છે. હાય હાય ! માચીમાં છોકરો ન મળે ! નક્કી વાલામૂઈ વહુ જ ડાકણ થઈને ગળી ગઈ. સાસુએ તો વહુને એમ વગોવી છે.

બાપલિયા ! બામણી તો બબ્બે છોકરાં ખાઈ ગઈ !

ગામ આખામાં તો ફે ફાટી ગઈ છે.

વળી પાછી બાઈને તો આશા રહી છે. નવ મહિને દીકરો આવ્યો છે.

સાંજે દીકરાનો જનમ થાય છે ને અધરાતે દીકરો ઉપડી જાય છે. આ વખતે તો પહેલી રાત જાળવવી છે.

આડોશીપાડોશી આવ્યાં છે. સગાંવહાલાં આવ્યાં છે. કોઈ ઓરડીમાં બેઠાં, કોઈ ફળીમાં બેઠાં, તો કોઈ ડેલીમાં બેઠાં છે. કોઈએ તલવાર લીધી છે ને કોઈએ બંદૂક લીધી છે.

સહુ જાગે છે, માચીમાં દીકરો રમે છે. કોઈ પાંપણનો પલકારોયે કરતું નથી.

બરા...બર મધરાત થઈ ને અજૈયા મા આવ્યાં છે. બસેં માણસ બેઠું'તું એની આંખોમાં ધારણ મૂકી દીધું છે. કોઈ બોલે કે ચાલે ! સડેડાટ માતાજી ઓરડામાં ગયાં છે.

"દીકરી, દીકરી ! સૂતી છો કે જાગછ?"

"જાગું છું, માતાજી"

"બોલે પળવું છે કે ?"

"હા જ તો, માતાજી !"

"તો લાવ્ય તારો દીકરો."

"મારી આગળ ન મળે."

"પણ તું તો દઈ ચૂકી છો ને ?"

"હા જ તો, માતાજી !"

"તો લાવ્ય બાળોતિયું."

બાઈએ તો બાળોતિયું દીધું છે ને માતાજીએ લઈ લીધું છે. દીકરાને ઉપાડ્યો છે અને માતાજી અલોપ થયાં છે.

હાય હાય ! આ તે ભગવાનના ઘરનો કોપ જાગ્યો ! કે વહુ ડાકણ જાગી ! બામણ ત્રણ-ત્રણ દીકરા ચોરાણા ! ગામમાં તો હાયકારો બોલી ગયો છે.

ગામના રાજાને તો ખબર પડી છે.

રાજા કહે કે "આ ફેરે તો હું પંડે જ ચોકી દેવા આવું છું. ભાર શા છે કે બામણનો દીકરો ભરખાય?"

બાઈને ચોથી વારનું ઓધાન રહ્યું છે. નવ મહિને બેટો જન્મ્યો છે. રાજાને તો બામણે ખબર દીધા છે.