આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

એમ કહી બાઈએ તો છોકરો ને ગોળી હેઠે મેલ્યાં છે. મેલીને ડોસીમાનું માથું જોવા માંડી છે. જેમ જેમ માથું ઠરવા મંડ્યું તેમ તેમ તો છાશની ગોળીમાં ડબ...ક ! ડબ...ક ! થયું છે.

સજીવન થઈને નોળિયો બા'ર નીકળ્યો છે.

નોળિયો તો બાઈના ખોળામાં ચડી ગયો છે. બાઈએ તો એને છાતીસરસો લઈને રોઈ રોઈ હૈયું ઠાલવ્યું છે. ડોસીને માતાજી જાણીને બાઈ તો પગે પડી છે.

"જા બાઈ, વરસોવરસ નોળી નોમ રે'જે. તે દી ઘઉં ખાઈશ મા. ઘઉંનો કણીક કેળવીશ મા. છાશ કરીશ મા. ઘી, માખણ, દૂધ. દહીં, છાશ, કાંઈ ખાઈશ મા."

નોળી નોમ મા એને ફળ્યાં એવાં સહુને ફળજો !


બોળ ચોથ


[બોળિયો એટલે વાછડો : તે પરથી 'બોળ ચોથ' નામ પડ્યું છે. આ કથામાંથી એવો કંઈક ધ્વનિ નીકળે છેકે કોઈ માંસાહારી પ્રજાનું આ વ્રત હોવું જોઈએ. નહિતર ભૂલથી વાછરડાને મારી નાખવાની મૂર્ખાઈને એ યુગ ચલાવી લે નહિ. આજે પણ હિંદના અન્ય અનેક પ્રાંતોમાં બ્રાહ્મણો માંસાહારી ક્યાં નથી? વ્રતની પ્રાચીનતા ઉપર આ કથાનું તત્ત્વ પ્રકાશ પાડે છે.]

શ્રાવણ માસ આવ્યો છે. અંધારી ચોથ આવી છે. તે દી તો ગામોટીને ઘેર એકરંગી ગા' ને એકરંગી વાછડો પૂજાય.

ગામોટીની વહુ તો ઊઠીને ના'વા ગઈ છે. વહુ-દીકરીને કહેતી ગઈ છે : "આજ તો તમે ઘઉંલો ખાંડીને ઓરજો."

સાસુ તો ઘઉંનું ગળ્યું ધાન રાંધવાનું કહી ગઈ છે, પણ વહુ-દીકરી તો વાત ઊંધી સમજ્યાં છે. ગામોટની ગા'ના વાછડાનું નામ 'ઘઉંલો' છે.

નણંદ ભોજાઈએ તો ભેળી થઈ, ઘઉંલા વાછડાને ઝાલી, કાપી, ખાંડીને હાંડલામાં ચડાવી દીધો છે. એને તો બાફી નાખ્યો છે.

ગામોટીની વહુ તો નાહીધોઈને ઘેરે આવી છે. દીકરીને એણે પૂછ્યું છે કે "કાં, ઘઉંલો બાફ્યો ?"