આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૧૦૩ )

શરીરે હિંગળોક ચોળીને ઉભા હતા, અથવા કાંઈ રાગનું વાજીંત્ર વગાડતા હતા.

આ ભયંકર તથા કંટાળો ઉપજાવનાર તમાશો જોઈને સઘળા લોકો ખુશ થતા હતા, તેમાં એક પરદેશી તેના પહેરવેશ તથા રીતભાતથી તુરત બીજાઓથી જુદો પડતો હતો. તે ઘણા ઉંડા વિચારમાં પડેલો હતો, અને બીજા લોકોના મ્હોડાં ઉપર જેટલો ઉમંગ દેખાતો હતો તેટલે તેના ઉપર ન હતો. જે કામને અર્થે તે દિલ્હીમાં આવ્યો હતો તે કામ હજી પાર પડ્યું ન હતું એટલું જ નહી, પણ તે સિદ્ધ થશે, એવો સંભવ પણ ઘણો દૂર દીસતો હતો. પોતાની મતલબ શી રીતે હાંસલ કરવી, એ વિષે તે નિરંતર રાત દહાડો મનમાં વિચાર કર્યા કરતો, અને વારેવારે નિશાસા મુક્યાં કરતો હતો.

વાંચનારાઓએ તેને ઓળખ્યો તો હશે; તે ગુજરાતના કરણ રાજાનો માજી પ્રધાન માધવ હતો એમ આ ઠેકાણે સ્પષ્ટ કહ્યું ન હોત તોપણ સઘળાના જાણ્યામાં આવત. આ વખતે તે આ સઘળો તમાશો જોઇ ઘણો વિસ્મિત થયો, અને તે મોટેથી બોલી ઉઠ્યો:- “જો દેહકષ્ટ કીધાથી પરમેશ્વર પ્રસન્ન થતો હોય તો આ લોક નક્કી સ્વર્ગે જશે.” તેની પાસે એક સંન્યાસી ઉભેલો હતો તે આ વાત સાંભળી બોલ્યો: “અરે ભઇયા ! જો દેહકષ્ટથી પરમેશ્વર પ્રસન્ન થાય તો અમારા ઉપર થાય. અમારા દેહકષ્ટ આગળ એ લોકોનો કાંઈ હિસાબ નથી. તેઓ તો વર્ષમાં એક બે દહાડા આ પ્રમાણે કરે છે, પણ અમારે તો આખા જન્મારામાં દેહકષ્ટ કર્યા જ કરવું જોઈએ. સંન્યાસી દુનિયાનો શી રીતે ત્યાગ કરે છે તે વિષે જે મનુસ્મૃતિમાં લખેલું છે તે સાંભળો. 'જયારે કોઈ કુટુંબના મુખ્ય માણસનું શરીર સઘળું ઢીલું પડી જાય, તથા નિમાળા સફેદ થાય, તથા તે પોતાનાં છોકરાનાં છોકરાં જોય, ત્યારે તેણે વનવાસ કરવો. શેહેરમાં જે ખાવાની વસ્તુઓ હોય તે તથા ઘરનાં વાસણકુસણ મુકી દઈને એકાંત વનમાં જવું. પોતાની વહુ તથા છોકરાંને તજવાં, અને જો વહુની સાથે ચાવવાની ખુશી