આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૫ )

સર્પાકારે ઊંચે ચઢી સ્વચ્છ આસમાની રંગના આકાશ જોડે મળી જતા હતા, વખતે વખતે મોટા મોટા સર્વા ઘીએ ભરીને કુંડમાં રેડતા ત્યારે મોટા તાપના જે ભડકા થતા હતા, તેમ જ એક તરફ નાગરની નાજુક તથા રૂપાળી સ્ત્રીઓ સુંદર વસ્ત્ર તથા આભૂષણ સહિત બિરાજેલી હતી, અને તેમની સામે મોટાં પાઘડીવાળા પણ ગૌર વર્ણના અને ખુબસુરત નાગરગૃહસ્થ તથા બીજા પુરુષો બેઠા બેઠા પાનસોપારી ખાતા હતા, એ સઘળાઓની વાતચિતથી જે ગણગણાટ થઈ રહ્યો હતો, એ સર્વની તો કલ્પના માત્ર થઈ શકે, પણ યથાસ્થિત બ્યાન કરવાને તો કોઈ કવિરાજ અથવા ચિત્રવિદ્યામાં કુશળ પુરુષ જરુર જોઈએ.

જે ઠેકાણે ગામોના પટેલ બેઠા હતા ત્યાં સૌથી કદાવર તથા દેખીતો હોંશિયાર ભાણો પટેલ હતો. તે જાતનો કણબી હતો, અને તેને પટેલાઈમાં રાજાની તરફથી ઘણાંએક વીઘાં જમીન મળેલી હતી, તે સિવાય તે ઘણાંએક પરગણાઓ ઇજારે રાખી તેઓની આમદાની વસુલ કરી રાજાને ત્યાં ભરતો. તેની ઉમર આસરે ત્રણ કુંડી વર્ષની હતી, પણ “સાઠી બુદ્ધિ નાઠી” એ કહેવત તેણે જુઠી પાડી હતી. તેનું શરીર ખાધેલ પીધેલ હતું, અને તેનું મન તેની જુવાનીના વખત જેવું જ તીવ્ર હતું, એટલું જ નહી પણ પ્રત્યેક વર્ષના અનુભવથી તેની અક્કલમાં વધારો થયાં કરતો હતો. તે સિવાય પાછલા વખતના રાજાઓ ખેડુતની સાથે કેવી રીતે ચાલતા હતા, તેઓના વખતમાં જમીનનો દર કેટલો હતો, તથા તે કેવી રીતે વસુલ કરવામાં આવતો હતો, એ વિગેરે જમીન સંબંધી તમામ હકીકત તેની યાદદાસ્તના ખજાનામાં ભરેલી હતી. તેની સામેની બેઠકમાં જેઠાશા નામે શ્રાવક વ્યાપારી ઉંચી તથા માનવાળી જગાએ બેઠો હતો. એ શખસ લાખો રૂપિયાનો વ્યાપાર જમીન ઉપર તથા દરીયા ઉપર ચલાવતો તેની પેહેડીઓ ગામોગામ હતી. તેની સાખ એટલી તે હતી કે તેને જંગલમાં પણ રૂપિયા મળી શકે. તેનાં વહાણો દેશાવર ખાતે ઘણાંએક ફરતાં અને તેની દોલત લાખો તથા કરોડોથી ગણાતી. મુખમુદ્રા જોવાથી જેઓ માણસના ગુણ, બુદ્ધિ તથા સ્વભાવની પરીક્ષા કરે છે તેઓ જેઠાશાનું મ્હોં જોઈને ઘણું ગુંચવાયા વિના રહે