આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૧૨૦ )

પાડવા લાગ્યા, તે જોઈને શાહજાદા તથા બીજાઓને ઘણી રમુજ થઈ. તે થઈ રહ્યા પછી તોળા થવાનું કામ શરૂ થયું. પહેલાં તો એક મોટો કાંટો મંગાવ્યો. એના એક પલ્લામાં સોનું, હીરા, માણેક તથા બીજું જવાહિર મુક્યું, અને જ્યારે તે સઘળું તોલમાં શાહજાદાની બરાબર થયું ત્યારે તેને પોતાના ખાસ ચાકરોમાં વહેંચી દીધું. બીજી વાર પોતાની સામા રૂપાના સિક્કા મુક્યા, અને તે સઘળા સિપાઈ લોકોને આપી દીધા, ત્રીજી વાર તે કીમતી વસ્ત્ર તથા તેજાના સાથે તોળાયો, અને તે બીજા સાધારણ ચાકરોને આપ્યાં; અને ચોથી વાર બીજા પલામાં અનાજ, ઘી વગેરે ખાવાની વસ્તુઓ મુકી, અને તે જેટલું થયું તે ગરીબ લોકોમાં વહેંચી આપ્યું. એ પ્રમાણે તોળા થઈ રહ્યા પછી મેહેલની આગળ એક બંધિયાર ચોગાન હતું તેમાં હાથી તથા વાઘની લડાઇ કરાવવાનો હુકમ થયો. એ ચોગાનની આસપાસ ઉંચો કોટ હતો. તેના મથાળા ઉપર તમાશગીર લોકોથી ઉભા રહેવાય એવી સગવડ હતી. તે કોટમા બાકાં રાખેલાં હતાં તેમાંથી માણસ બહાર નીકળી શકતું. જોનારાઓની આ વખતે ઠઠ મળી હતી. મેહેલમાં પાદશાહ, શાહજાદાઓ, વજીર વગેરે મુખ્ય માણસો બારીએ જ બેઠેલા હતા. ઉપરના માળની બારીએ ચક નાંખી ઝનાનાનું સ્ત્રીમંડળ બેઠેલું હતું, અને નીચે રવેશ ઉપર અમીર ઉમરાવો ગાદીએ બીરાજેલા હતા. હાથી ઘણો મસ્ત તથા ચાલાક હતો, અને વાઘ પણ પાતળો, ઉંચો તથા બીહામણો હતો. જયારે આ બે પશુઓને છુટાં મુક્યાં ત્યારે લોકોએ ખુશીથી બુમાબુમ પાડી આખું ચોગાન ગજવી મુકયું. પછી વાઘે પોતાની ચપળતાથી તથા ઝડપથી હાથીની સુંઢ ઉપર ચડવાને ઘણાં ફાંફાં માર્યા, પણ તેણે તે સુંઢ ઉંચી જ રાખી તેથી તેનું કાંઈ ફાવ્યું નહીં. હાથી તેને પોતાના પગ નીચે લાવીને કચડી નાંખવાને યુક્તિ કરતો હતો, પણ દુશ્મન એટલો ચાલાક હતો કે તે હરેક વખતે તેના સપાટામાંથી તુરત છટકી જતો. જ્યારે જ્યારે આ બેમાંથી કોઈ મરવાની અણી પર આવતું ત્યારે લોકના મ્હોંડા ઉપરથી લોહી જાણે ઉડી જતું, અને તે બચી જાય ત્યારે તેઓને