આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૧૩૩ )

કામ ઉતાવળથી કરી નાંખવાની ઘણી આતુરતા હતી. મુડદાને હાથમાં લીધું પણ તે એટલું તો થંડુંગાર થઈ ગયું હતું કે તે તેના શરીરને લાગતાં જ તેને કંપારી છુટી, તેનાં ગાત્ર શિથિલ થઈ ગયાં, અને તે સંધિવાયુ થયો હોય તેમ તેના હરેક સાંધામાં કળતર થવા માંડયું, અને તેનાથી એક પગલું આગળ મુકાયું નહી. હવે શું કરવું ? હિમ્મત, હિમ્મત, બીજો કાંઈ ઈલાજ નહોતો. મનમાં આવેશ લાવી તેણે એક છલંગ મારી, અને જીવ લઈને નાસતો હોય તેમ દોડી એક નાના દેહેરા આગળ ચત્તોપાટ પડી ગયો. પાછું મન ઠેકાણે આણ્યું, બીહીકને મનમાંથી ઝટ કાઢી નાંખી, અને ઉભો થઈને તે મુડદાને લઈ તે દેહેરામાં પેઠો. ત્યાં તેણે સઘળો સામાન આગળથી જ તૈયાર રાખ્યો હતો. હવે પોતે પણ નાહવું જોઈએ, માટે લુગડાં ઉતારી પાછો ઘાટ ઉપર ગયો. આ વખતે તેનું ચિત્ત શાંત હતું તેથી તેને કાંઈ દેહેશત લાગી નહી. તેણે મંત્ર ભણી સ્નાન કીધું, અને ભીને ધોતિએ પાછો દેહેરામાં આવ્યો. ત્યાં તેણે ચકમક પાડી દેવતા તૈયાર કીધો, અને એક કોડીયામાં સરસિયું પૂર્યું હતું તથા તેમાં વાટ તૈયાર રાખેલી હતી તે સળગાવી, ચાર દિશાએ મંત્રેલાં લીંબુ કાપી સિંદુર ભરી મૂકયાં; ચાર ખુણે ખીલા દાટ્યા; અને ચોતરફ મંત્ર ભણી અડદ વેર્યા; પછી સઘળી વાતની આગળથી તૈયારી કરી કપાળે સિન્દુરની આસકા કીધી; શરીરના કેટલાએક ભાગ ઉપર હનુમાનની મળી ચોપડી; હાથે કેટલાંએક તાવીજ બાંધ્યાં; તથા ગળે એક મોટું માદળીયું પેહેર્યું. એ પ્રમાણે ભૂત, પ્રેત, પિશાચ, શંખણી, યક્ષણી, વગેરે બલાની સામાં હથિયાર બાંધી તેણે તે મુડદાનું આસન કીધું, અને તે ઉપર ઘોડો ફલંગીને બેસી મંત્રનો જપ કરવા લાગ્યો. તે હમણાં પોતાના કામમાં એટલો તો તલ્લીન થઈ ગયો હતો કે તેને આસપાસનું કાંઇ પણ ભાન રહ્યું ન હતું; તેમ દેહેશત ઉપજાવે એવું તો કેટલીએક વાર સુધી કાંઈ બન્યું પણ નહી. માત્ર પવન વધારે જોરથી વાવા લાગ્યો; વિજળીના ચમકાટ વધારે તેજસ્વી થવા લાગ્યા, કડકડાટ કાન બેહેર મારી જાય એવા સંભળાવા લાગ્યા; વરસાદનું એક મોટું ઝાપટું આવ્યું, હવે અન્ધકાર