આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૧૩૯ )

કીધા. પછી તેણે એક સારો મહેલ શોધી કાઢ્યો, ત્યાં તે તથા શક્તિ તે જ દહાડે જઈ રહ્યાં.

હજુ સુધી શક્તિએ તેના પતિને તેની આગલી કાંઈ પણ વાત પૂછી ન હતી. તેના ચહેરા ઉપરથી, તેના બોલવા ઉપરથી, તથા તેની હિંમત અને બીજા રજપૂત નામને યોગ્ય એવા ગુણ ઉપરથી, તેના સમજવામાં આવ્યું હતું કે તે કોઈ સાધારણ માણસ નહીં, પણ કોઈ રાજવંશી હોવો જોઈએ. પણ તેનાં માબાપ કોણ તથા કેવાં છે; તે જીવે છે કે મરી ગયાં છે, તેને પોતાનો દેશ શા સારૂ છેડવો પડ્યો, તથા પાટણમાં આવી તેણે શું કરવા ધાર્યું છે, એ સઘળી વાતથી વાકેફ થવાને તે ઘણી આતુર હતી. જ્યારે રાત પડી, અને બંને વાળુ કરી નિરાંતે એકઠાં બેઠાં ત્યારે ઉપલી સઘળી વાત તેની પાસેથી કઢાવવાનો પ્રસંગ આવ્યો.

શક્તિ- હું કોણ છું, અને તમને વરવાની મારી શી મતલબ છે, એ સઘળું મેં તમને કહી સંભળાવ્યું છે, પણ તેની સાથે તમે કોણ છો તે વિષે મેં કાંઈ તજવીજ કીધી નથી. વગર તપાસે મેં તમારી સાથે લગ્ન કીધું છે, માટે તમારી અવસ્થા જાણવાની મારી જિજ્ઞાસા પૂરી પાડો. હું તમને જેવો ગણું છું તેવા જ તમે તમારી હકીકત ઉપરથી નીકળી આવશો એવો મને પાક્કો ભરોસો છે, માટે તમારી હકીકત માંડીને કહો, એટલે જણાશે કે મારી કીધેલી અટકળ ખોટી નથી.

રજપૂત– અગર જો તું મને વગર એળખાણે પરણેલી છે; (મારાથી તું કેહેવાય છે માટે ક્ષમા કરજે – જો, કેમકે હવે આપણો ધણી ધણીયાણીનો સંબંધ થયો છે એટલે લોકાચાર પ્રમાણે મારે તમારી સાથે બેલતાં “તું” શબ્દ વાપરવો જોઈએ.) તે મારી રીતભાત, ગુણ, સ્વભાવ, રૂપ, રંગ વગેરેથી અનુમાન તો કીધું હશે કે હું કોઈ હલકો માણસ નથી, તો પણ મારી વાત સવિસ્તર કહેવાથી તારી વધારે ખાતરી થશે, અને તું મને વગર પૂછપરછે પરણી છે તે બાબતનો તને કદી પસ્તાવો કરવો પડશે નહી. પહેલાં તો મ્હારૂં નામ હરપાળ છે, મ્હારો બાપ કચ્છ દેશના કિરંતીગઢનો રાજા કેસર નામે હતો; અને મારી મા આ ગુજરાત દેશના કરણ વાઘેલા