આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૧૩ )

કેટલાએક રૂપીયા વસુલ કરી લે છે. ખેડુત લોકોની સારા વર્ષમાં પણ જ્યારે આવી અવસ્થા છે, ત્યારે વરસાદની અછતને લીધે જ્યારે પાક ન થાય ત્યારે તો તેઓનું પુછવું જ શું ? મંત્રી કહે છે કે કાંઈ પણ છુટ મુકવામાં આવશે નહી. તમે રાજા આગળ જઈને નાનાં છોકરાંની પેઠે રડશો તથા કાલાવાલા કરશો અને પંચ માગશો તે પણ તમારી વાત ઉપર કોઈ ધ્યાન આપવાનું નથી. તેનો વિચાર એવો છે કે રૈયતના ઉપર જરા પણ દયા કરવી નહી; અને એ વિચારને તે મજબુતી આપવાને વારેવારે આ કહેવત કહ્યાં કરે છે કે 'રૈયત રાજા રામચંદ્રની પણ થઈ નથી.' પણ બાપજી, એ પ્રમાણે નથી. રૈયત તો રાજના સ્તંભ છે, રૈયતવડે જગત જીવે છે; અને રૈયત સારાં કામની કદર જાણનાર છે. બાપજી તમે તો જાણતા હશો કે ભીમદેવના રાજમાં એક વર્ષ વરસાદ ન થયો તેથી ડંડાહી તથા વિશોપક ગામના કુટુંબિક (કણબી) રાજાને તેનો અનાજનો ભાગ આપી શક્યા નહીં. તે વખતે રાજાએ તપાસ કરવાને તે ગામો ઉપર એક મંત્રી અથવા મહેતાને મોકલ્યો, તેણે તમામ મિલકતવાળા ખેડુતને પકડીને રાજધાનીમાં લાવી રાજા આગળ રજુ કીધા, રાજાનો પાટવી કુંવર મૂળરાજ સત્યવાદી તથા એકવચની હતો. તે એક દિવસે સવારે રાજાના એક ચાકરને સાથે લઈને તે ફરતે હતો. તે વખતે તેણે આ સઘળા લોકોને ભયભીત થઈ માંહેમાંહે બબડતા સાંભળ્યા. તરત તેણે ચાકરની મારફતે ખબર કઢાવી, અને તેઓની હકીકત સાંભળીને તેને એટલી તો દયા આવી કે તેની આંખમાં આંસુ આવ્યાં. એકવાર મૂળરાજે અશ્વવિદ્યામાં એટલી તો કુશળતા દેખાડી કે રાજાએ તેના ઉપર પ્રસન્ન થઈ તે જે માગે તે આપવા વચન આપ્યું. મૂળરાજે માગી લીધું કે કણબીઓનું ગણોત માફ કરવું, રાજાએ ઘણી ખુશીથી તેની વાત કબુલ કરી તેઓને બંધીખાનામાંથી છોડી મુક્યા. તેઓ મૂળરાજને પગે પડ્યા, તેઓમાંના કેટલાએક જાથુ તેની સાથે રહ્યા, અને બીજાઓ જે પોતાને ગામ ગયા તેઓએ તેની કીર્તિ ઘણી વધારી, પણ તે બિચારો મૂળરાજ મરી ગયો. પછી બીજે વર્ષે જ્યારે પાક સારો થયો ત્યારે ચાલુ તથા પાછલા વર્ષનો રાજાનો ભાગ લઈને