આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૧૯૫ )

બાલ્યાવસ્થાનું નિર્દોષપણું પ્રત્યક્ષ જણાઈ આવતું હતું, તથા તેઓના નિમાળા હજી સોનેરી હતા તથા તે ઉપર કાળાશ હજી ઘણી આવી ન હતી. એટલો જ તફાવત તેઓ તથા તેઓની માની વચ્ચે હતો.

સઘળી રાણીઓ શોકાતુર થઈ બેઠેલી હતી, તથા હવે શું કરવું તે કૌળારાણીના મ્હોંમાંથી સાંભળવાને રાહ જોતી હતી રૂપસુન્દરીના વિચાર તે વખતે જુદા જ હતા. તેને કરણ રાજા સાથે કાંઈ પ્રીત થયલી ન હતી, તેથી તેના મોતથી તે બીજી રાણીઓની પેઠે દિલગીર જણાતી ન હતી. ઉલટી તેના વર માધવને પાછો આવેલો સાંભળીને, તથા આ જય મળ્યાથી તે પાટણમાં જલદીથી આવશે, અને તેને મુખ્ય કારભાર પાછો મળશે, પછી તે પાછી તેની પાસે જશે, અને કેટલુંએક પ્રાયશ્ચિત કરાવી તે તેને રાખશે, એવી આશાથી તો તેના મનમાં ખુશી થઈ હતી. પણ બીજી રાણીઓની અવસ્થા જુદી જ હતી. તેઓએ કરણ રાજાની પ્રીતિ ચાખી હતી. સ્ત્રીજાતિની આબરૂ વિષે તેઓના વિચારો ઘણા ઉંચા પ્રકારના હતા, તથા રજપૂતાણીઓએ પોતાના ભર્તાર મરી ગયા પછી શું કરવું તે વિષેના તેઓના અભિપ્રાય જુદા જ હતા. કૌળારાણી થોડી વાર વિચાર કરી બેલી: “અરે મારી બેહેનો ! આજ આપણા સુખનો સૂર્ય અસ્ત પામ્યો; આજ આપણો ભર્તાર, આપણું શિરછત્ર, આપણું પ્રતિપાલન કરનાર, તથા આપણા માથાનો મુગટ રણક્ષેત્રમાં પડ્યો, તથા તેને જીતનાર તુરકડા મ્લેચ્છ લોકો થોડી વારમાં પાટણ શહેરમાં આવી પહોંચશે. આજ આખું ગુજરાત તથા આપણે સઘળાં રંડાયાં. રંડાયાં ! એ શબ્દ સાંભળતાં સૂર્ય દેવતા તું તારૂં મ્હોંડું શા માટે સંતાડતો નથી ? અને કરણ રાજા પડ્યો એ વાત પ્રસિદ્ધ કરવાને જગતમાં અન્ધકાર શા માટે વર્તાવતો નથી? એ શબ્દ સાંભળતાં, અરે ઈંદ્રરાજા ! તું લોહીનો વરસાદ શા માટે વરસાવતો નથી ? અને રૂપ તથા શક્તિમાં તારે બરોબરીયે આજે મુઓ તેનો શોક શા માટે બતાવતો નથી? એ શબ્દ સાંભળીને રે શેષનાગ ! તું ધ્રુજીને ધરતીકંપ શા માટે કરતો નથી? તથા તારા ઉપર આવા શૂર રજપૂતોનાં મુડદાંઓનો આવો મોટો ભાર પડ્યો છે તે તને અસહ્ય લાગે છે, એમ શા માટે જણાવતો નથી ? એ શબ્દ