આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૨૦૩)

નીકળી, સઘળો ખજાનો સહીસલામત હાથ લાગ્યો. અને શેહેરમાં સઘળી વાતે બંદોબસ્ત કરી અલફખાંએ અલાઉદીન પાદશાહની તરફથી ગુજરાતનું રાજ્ય કરવા માંડ્યું, રૂપસુંદરી માધવને જઈને મળી. ઘણા દહાડાના વિયોગ પછી તે ધણી ધણિયાણી પાછાં મળ્યાં. તેઓ ભેટ્યાં, રડ્યાં, તથા હર્ષનાં બીજાં સઘળાં ચિહ્‌નો તેઓએ દેખાડ્યાં. વરવહુનો સંબધ એવી રીતનો છે, અને જ્યારે તેઓની વચ્ચે નાનપણથી પ્રીતથી મજબુત ગાંઠ બાન્ધાયલી હોય છે ત્યારે તે છુટવી ઘણી મુશ્કેલ થઈ પડે છે, મૃત્યુની તલવારથી જ્યારે તે કપાઈ જાય છે ત્યારે બેમાંથી જે જીવતું રહે છે તેના અંત:કરણની દોરી કોઈ વાર જોરથી તુટી જાય છે, અને તે વખત જે ભારે કષ્ટ થાય છે તેનો વિચાર જેને દુ:ખ વીત્યું હોય તે જ કરી શકે. માધવની બાબતમાં તે ગાંઠ કાંઈ તુટેલી ન હતી, પણ તુટ્યા બરોબર હતી. રૂપસુંદરીને કરણ લઈ ગયો તેમાં તેની તરફનો કાંઈ વાંક ન હતો, તે માધવને સારી પેઠે માલમ હતું. બંનેના વિયોગમાં માધવનું દિલ રૂપસુંદરી ઉપરથી ઉતરી ગયું ન હતું, પણ તેને પાછી મેળવવાની તથા તેના હરણ કરનારનું વેર લેવાની તેની આતુરતા જે પ્રમાણે પ્રબળ થતી ગઈ તે પ્રમાણે તેનું તેની ધણિયાણી ઉપરનું હેત પણ વધતું ગયું. આટલી જલદીથી તથા સેહેલથી તેને પોતાની પ્રિયા મળશે એવી આશા ન હતી, જ્યારે રૂપસુંદરી આગળના જેટલા જ હેતથી તેને ભેટી, ત્યારે તેના હર્ષનો કાંઠો રહ્યો નહી. રૂપસુંદરીના પ્યારમાં પણ કાંઈ ફેરફાર થયલો ન હતો. જેટલી હોંસથી રાજા કરણે તેને પોતાના મહેલમાં બળાત્કારે પકડી મંગાવી, તથા જેટલો પ્યાર તેને જોવાથી રાજાના મનમાં આવ્યો હતો, તે હેાંસ તથા પ્યાર જો પાછળ પણ કાયમ રહ્યાં હોત, તો તે માધવ પર આટલી પ્રીતિ રાખત કે નહી એનો જવાબ આપવો કઠણ છે. પણ જ્યારે તેના અન્તઃકરણમાંની પ્રીતિનું નિર્મળ ઝરણ પોતાનો માર્ગ બદલીને બીજી દિશાએ વહ્યું ન હતું, તથા તેના હેતના ખજાનાનો ભાગીદાર થવાને કોઈ બીજાએ દાવો કીધો, ન હોતો; ત્યારે તે ઝરણે માધવની તરફ જ અસલ માફક વહ્યાં કીધું, અને તેનું હેત