આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૨૧૪ )


પ્રકરણ ૧૧ મું.

સૃષ્ટિમાંનાં ઘણાં રમણિય સ્થળો જ્યાં અપ્સરાઓ પણ રમવા આવે, તથા સ્વર્ગવાસીઓને પણ વાસ કરવો ગમે, એવા એક રળિયામણા સ્થળમાં એક કિલ્લો બાંધેલો હતો, અને તેની નીચે એક સુંદર નાનું શહેર વસેલું હતું, એ શેહેરની ચોતરફ ઉંચા ઉંચા પહાડોનો કોટ થઈ રહેલો હતો; અને તેમાંનાં ઘરો વચલા પોલાણમાં ચઢતાં ઉતરતાં ઘણાં જ ખુબસુરત હારબંધ બાંધેલાં હતાં. આ શેહેરનું પહાડોને લીધે પરમેશ્વર તરફથી રક્ષણ થયેલું હતું, તો પણ તેનો વધારે બચાવ કરવા સારૂ તેની આસપાસ ફરતે ઘણા મજબુત પથ્થરનો કોટ હતો, અને તેની સાથે વળી એક ઉંચી ટેકરી જેની નીચે સઘળું શેહેર આવી રહ્યું હતું, તે ઉપર એક કિલ્લો બાંધેલો હતો. એ શહેરનું નામ બાગલાણ હતું, અને તે દેવગઢના રાજા રામદેવના તાબામાં હતું. કિલ્લો ઘણો મજબુત તથા શોભીતો હતા, અને તેમાં રહેવાને સારુ ઘણો વગ હતો, વળી તેની આસપાસની જગા પણ એવી શોભાયમાન હતી કે તેનું યથાસ્થિત વર્ણન કોઈ મોટા કવિની કલ્પનાશક્તિથી પણ થઈ શકે નહી. ચોતરફ ઉંચા ઉંચા પહાડો હતા અને તેઓ સૂર્યોદય અથવા સૂર્યાસ્ત થતી વખતે એવા તો મનોહર લાગતા કે તે જોવાને જેટલો શ્રમ તથા પૈસો ખરચ કરીએ તેટલો સઘળો વળી જાય. તેઓના ઉપર પુષ્કળ ઝાડી હતી, અને સાગ, આંબા વગેરે ઝાડો નાટકશાળાની બેઠકની પેઠે એક ઉપર એક ઉગેલાં હતાં તે જોઈને આંખને આનંદ તથા સંતોષ ઉપજતો હતો, એ ઝાડીઓમાં વાઘ, રીંછ વગેરે રાની પશુઓ નિરંકુશ અમલ ચલાવતાં હતાં, અને તેઓના રાજ્યપદ વિષે તકરાર લેનાર માણસ ત્યાં કવચિત જ આવતું હતું, નાનાં મોટાં પક્ષીઓ ઘણા ભરપૂર નાદથી તે સ્થળને ગજાવી મુકતાં, અને તેઓનાં સુંદર રંગબેરંગી પીંછાનો ઝળકાટ તડકામાં પડતો તે જોઈને ઈશ્વરની લીલાથી મન વિસ્મિત થયા વિના રહેતું જ નહીં. વળી ઠેકાણે ઠેકાણે