આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૨૧૬ )

હોય, પથ્થરો તપી ગયલા હોય, તથા પહાડો જે ખાવા ધાતા હોય એમ દેખાતા હોય, ત્યાં સઘળે લીલું કુંજાર થઈ રહેતું. ઝાડો ઉપર આકાશમાંથી વૃષ્ટિ રૂપી અમૃત પડતું, તેથી તેઓ સજીવન થઈ, પાછાં પ્રફુલ્લિત થઈ શોભાયમાન દેખાતાં, તથા પાણીનો પુષ્કળ મારો હોવાથી સઘળે થંડક થંડક થઈ રેહેતી, તથા શીતળ વાયુથી અગણિત ફુલેાની સુગંધ ઘસડાઈ આવતી. 'ડુંગરા દૂરથી રળિયામણા' એ જે કેહેવત છે તે તે વખતે ખોટી પડતી. અને તેઓ આઘેના કરતાં પાસેથી વધારે રળિયામણા દેખાતા હતા. એવી જગાએ જે કિલ્લો હતો તેની છેક અંદરના ઓરડામાં બે જણાં બેઠાં બેઠાં વાત કરતાં હતાં.

એ બે જણમાંથી એક પુરૂષ તથા એક સ્ત્રી હતી પુરૂષ હતો તેની ઉમર ચાળીશ વર્ષની લગભગ હતી, પણ તેટલા કાળની અસર સાધારણ માણસના શરીર ઉપર જોવામાં આવે છે તે કરતાં તેની ઉપર વધારે દેખાતી હતી. કોઈ પણ તનદુરસ્ત માણસની જુવાની ચાળીશ વર્ષે જતી રેહેતી નથી, અને કેટલાએક દેશમાં તો તે વખતે માણસ ભરજુવાનીમાં ગણાય છે. પણ તે પુરૂષનાં વર્ષ વધારે ઝડપથી દોડ્યાં હતાં, તથા કાળચકનો ઘસારો તેના ઉપર વધારે થયો હતો. તેનું શરીર પ૦ અથવા પપ વર્ષની ઉમરના માણસના જેવું દેખાતું હતું. ઘણી ચિન્તાથી તેના ગાલ બેસી ગયલા હતા, તથા સર્વાંગે નિમાળા સફેદ થઈ ગયા હતા, તો પણ તેની આંખમાથી જુસ્સો હજી મરી ગયલો ન હતો, અને તેના બંને ડોળા અગરજો ઉંડા પેઠેલા હતા તો પણ તેઓમાં હજી શુરાતનનું તેજ હતું. તેની શિકલ ઉપરથી હજી જણાતું હતું કે તેનામાંથી તેનો અવિચારી હઠીલો સ્વભાવ ગયલો ન હતો. તેને સધળો દેખાવ માન આપવા યોગ્ય હતો, અને તેણે કોઈ વેળા સારા દહાડા જોયા હોય એમ તેને જોતાં જ જણાતું હતું.

એ માણસ કોણ હતો તે વાંચનારાઓએ જાણ્યું તે હશે, તેને છેલ્લી વાર મળ્યાને આજે લાંબાં નવ વર્ષ થયાં હતાં, તો પણ ઉપલા ટુંકા વર્ણનથી તે ઓળખાઈ આવ્યો હશે. તે ઓપણો મિત્ર કરણ વાઘેલો ગુજરાતનો છેલ્લો રજપૂત રાજા હતો, જે દહાડે પાટણની પડોશમાં