આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૨૨૧ )

મોતના દૂત તેના એકાંત કિલ્લા ઉપર ઉતર્યા, અને એક ઝપાટો મારી તેની વ્હાલી છોકરી કનકદેવી જે હમણાં તેર વર્ષની થઈ હતી, જે તેનાં સઘળાં સુખનું મૂળ હતું, જે તેની નિર્બળ અવસ્થાનો આધાર હતો તેને ઘસડી ગયા. આ અકસ્માત આવી પડેલા દૈવકોપથી કરણને જે મહાવ્યથા થઈ તેનું વર્ણન કરવાની કાંઈ જરૂર નથી. તે યથાસ્થિત થઈ શકે પણ નહી; ને થાય તો પણ તેથી વાંચનારાઓને સંતા૫ માત્ર ઉપજે, તેથી તે ઉપર પડદો ઢાંકી દઈ બીજાં ચાર વર્ષ કુદી જઇને ઈ૦ સ૦ ૧૩૦૬ ના વર્ષના અષાડ મહીનામાં જે બનાવ બન્યો તેનું વર્ણન કરીએ છીએ.

તે વખતે એવું બન્યું કે બાગલાણથી આશરે દશ કોશ ઉપર એક વાઘ અને વાઘણે રાહ પાડી. તેઓએ આસપાસનાં ગામોનાં ઢોર એટલાં તો મારી નાંખ્યાં, તથા લોકમાં એટલો તો ત્રાસ પાડ્યો કે તેને મારવાને ગામેગામથી લોકો એકઠા થયા; પણ તે એવાં વિક્રાળ, જોરાવર તથા ચપળ હતાં કે તેમને મારવામાં કેટલાએક લોકોના પ્રાણ ગયા તો પણ તેમાંથી એક પણ મુવું નહીં. એ વાઘોની વાત દેવગઢના રાજાને કાને પડી, તેથી તેણે પોતાના બે છોકરા ભીમદેવ તથા શંકળદેવને તેમને મારવાને તથા લોકોને નુકશાન થતું બચાવવાને મોકલ્યા. ભીમદેવની ઉમર આશરે ૨૫ વર્ષની હતી, અને બહાદુરીમાં તે રજપૂતના નામને એબ લગાડે એવો ન હતો, બીજો શંકળદેવ હતો તે રૂપમાં તથા શૂરાતનમાં ઈંદ્રના જેવો હતો, અને તેના ગુણો તથા સ્વભાવ ઉંચી જાતના રજપૂતને શોભા આપે એવા હતા. તે હજુ પરણેલો નહતો, અને તેના ચિત્તને આકર્ષણ કરે એવી કોઈ સુંદરી તેના જોવામાં હજુ આવી ન હતી. તેઓ બંને હાથી ઉપર સવાર થઈ બાણ, ભાલા વગેરે શસ્ત્ર સજી કેટલાંક માણસો સાથે લઇ નીકળ્યા; અને બે દહાડે બાગલાણની પડોસમાં તેઓએ મુકામ કીધો. કરણ રાજાને પણ શિકારનો ઘણો શોખ હતો, તથા એવાં કામોમાં પડ્યાથી તેના દુ:ખમાં થોડી વાર ઘટાડો થશે એમ જાણીને તેઓએ તેને સંદેશો મોકલ્યો, અને પોતાની સાથે આવવાની તેને વિનંતિ કીધી. કરણરાજાએ પણ કાંઈ કામ જડે તો તેમાં પડી