આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૨પ૪ )


આણીગમ કરણ રાજા પણ ઉંડા વિચારમાં પડ્યો. હવે શું કરવું તે તેને સુઝયું નહી, છોકરી આપવાની ના કહી તેથી મ્લેચ્છ લશ્કરનો સરદાર ગુસ્સે થશે; એમાં કાંઈ શક ન હતો, સાંભળ્યા પ્રમાણે અલાઉદ્દીન ઘણો ક્રૂર સ્વભાવનો હતો. તે કદી પોતાનો હુકમ ફેરવતો નહી. તેના કહેવા પ્રમાણે જો કામ ન થાય તો તે એટલો કોપાયમાન થતો કે જે શખસની તે ગફલત થઈ હોય તે પછી અમીર હોય કે ફકીર હોય તોપણ તેને પોતાના જાન ઉપરથી ફારગતી અપાવતો. માટે તેનો હુકમ અમલમાં લાવ્યા વગર કોઇથી પણ ચાલતું નહી. થોડી મુદ્દતમાં સઘળું લશ્કર આ કિલ્લા ઉપર તુટી પડશે ત્યારે શું કરવું? લડાઈ તો શી રીતે કરાશે ? માણસ નથી, પૈસા નથી, તથા બીજી સામગ્રી પણ નથી. અરે પરમેશ્વર ! તું મારા રંક ઉપર દયા લાવીને જો. શું મારે અંતે દેવળદેવીને આપી દેવી પડશે ? અરે એ વિચારથી જ મારી કાયા થરથર ધ્રુજે છે, તથા મારા મનમાં ઉકળાટ થઈ આવે છે. પણ હવે આળસુ બેસી રહેવાનો વખત નથી. હવે કાન ફફડાવીને જાગૃત થવું જોઈએ. હવે પ્રારબ્ધ ઉપર બેસી રહેવામાં મૂર્ખાઇ છે. જો હું મહેનત કરીશ તો પરમેશ્વર મને મદદ કરશે; જો હું આળસુની પેઠે નશીબ ઉપર બેસી નહી રહેતાં કાંઈ પ્રયત્ન કરીશ તો દેવતાઓ એક કુમળી અબળાની વહારે ધાશે. જો હું યથા સામર્થ્ય કાંઇ ઉપાય કરીશ તો કોઈ પણ આ બીચારી નિર્દોષ પશુને વાઘના પંજામાંથી છોડાવશે. માટે આળસ ! તું જા; નશીબ ! તું દૂર બેસ; અને મારી વહાલી ઢાલ તલવાર તથા ધનુષ્ય બાણ ! તમે મારી પાસે આવો. તમારું કામ હવે પડ્યું છે, માટે તમે મારા સંકટમાંથી મને ઉગારો, અને મારી પરમ પ્રિય દીકરીનું સુખ મને કાયમ રખાવો. હજી ગુજરાતમાં ઘણાએક શૂરા સામંતો અંગીઠીમાંના અંગારાની પેઠે રાખમાં દબાઈ રહેલા હશે; હજી ઘણાએક બહાદૂર રજપૂતો દુશ્મનોનું લોહી પીવાને તરસ્યા હશે. હજી ગુજરાતમાં કેટલાએક લોકોના મનમાં મુસલમાનો ઉપર વેર લેવાનું હશે. હવે વખત આવ્યો છે. શું તેઓ એવા નિમકહરામ થઈ ગયા હશે કે આ