આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૨૫૬ )

પાંચ હજાર લશ્કર આટલી ટુંકી મુદતમાં એકઠું થશે, એવું કરણના સ્વપ્નમાં પણ નહતું પણ જ્યારે તેણે એ સઘળા લડવાની હોંસથી ભરપૂર તથા તેની ઉપર આવી પ્રીતિ રાખનારા માણસોને આવેલા જોયા ત્યારે તેના હૈયામાં હર્ષ માયો નહીં, તેનામાં લડાઈને જુસ્સો પાછો આવ્યો અને તે પાછો રાતદહાડો લડાઈની તૈયારી કરવા મંડી ગયો. કિલ્લામાં જે કાંઈ ભાંગેલું તુટલું હતું તે તુરત સમરાવી દીધું. જંગલમાંથી ભાથાના ભારે ભારા મંગાવ્યા, તીરોની અણી કાઢવાને સઘળા લુહારોની દુકાનમાં ભઠ્ઠી તથા હથોડા ધમધોકાર ચાલવા માંડ્યા, ખાનદેશથી વણજારાઓને બોલાવી બાગલાણના રહેવાસી તથા સઘળા સિપાઈઓ તથા તેઓની સાથે આવેલાં સઘળાં માણસોને લાંબા વખત સુધી ચાલે એટલું અનાજ ભરાવવા માંડ્યું, અને બાકીનું વખતે વખતે પુરૂ પાડવાનો તેઓની સાથે બન્દોબસ્ત કીધો. આ વખતે કરણે પોતાનો હઠીલો સ્વભાવ, જરા મૂકી દીધો તથા એકલા પોતાના મત પ્રમાણે જ ચાલવું એ જે તેની નુકસાનકારક ટેવ હતી તે હાલ છોડી દીધી. સઘળા કામમાં તે પોતાના સામંતોની સલાહ લેવા લાગ્યો, અને ગમે તેવો હલકો સિપાઈ હોય તો પણ તેને બોલવાની તેણે રજા આપી, અને તેનો અભિપ્રાય ખોટો હોય તો કરણ તેને તકરારથી ખાતરી કરી આપતો અને જો ખરો હોય તો તેને સ્વીકાર કરી તે પ્રમાણે ચાલતો. જો આવી વર્તણુક તેણે પહેલાં રાખી હોત તો તેનું રાજ્ય કદાપિ જાત નહીં, અથવા જાત તો ઘણી મુદતે તથા શ્રમ કરાવીને તથા દુશ્મનોની ઘણી ખરાબી થયા પછી જાત. પણ માણસ ઘણું કરીને અનુભવથી ડાહ્યું થાય છે, તે ઠોકરો ખાઈને જ શીખે છે. પહેલવહેલાં જ વિચાર કરી સાચે રસ્તે ચાલનારા તથા ખરી રીતે કામ કરનારા થોડા જ હોય છે. તો પણ હમણાં કરણે જે ડહાપણ વાપર્યું, તથા જે યોગ્ય રીતે સઘળું કામ કીધું, તેનાં ફળ કેટલીએક વાર સુધી સારાં નીપજ્યાં, અને તેની અસર બીજાં જુદાં જ કારણો જે તેના હાથમાં બિલકુલ ન હતાં તેઓથી જ તુટી.