આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૨૫૭)

જ્યારે કરણ આવી રીતે લડાઈ કરવાની તૈયારીમાં પડેલો હતો તે વખતે આપણે જરા પાટણ તરફ નજર કરીએ. નવ વર્ષ થયાં તે શેહેર મુસલમાનોના હાથમાં આવેલું હતું, એટલી ટુંકી મુદ્દતમાં પણ તેમાં ઘણો ફેરફાર થઈ ગયો હતો. દિલ્હીથી જે જુદા જુદા સુબાઓ ત્યાં મોકલવામાં આવ્યા હતા તેઓ પાદશાહની નજરથી દૂર પડેલા તેથી ઘણો જ જુલમ લોકો ઉપર કરતા હતા, તેઓને તેમની નોકરી કેટલી મુદ્દત પહોંચશે, એ વાતનો જ નિશ્ચય ન હતો. નોકરીમાંથી કાઢી મૂકયા પછી ઘણું કરીને તેઓની પાસેથી એવો તે ભારે દંડ પાદશાહ લેતો કે જો તેઓ એકલા પોતાના પગાર ઉપર જ રહે તો ચાકરી કીધા પછી પ્રામાણિકપણે મેળવેલી સઘળી દોલત તેઓની ઘસડાઈ જાય. તેઓ જુલમ કરી રૈયત પાસેથી લાખો રૂપિયા ખાઈ જાય છે એવો પાદશાહના મનનો સિદ્ધાંત હતો. તેમાં જે કોઈ વ્યાજબી રીતે ચાલે તે પણ તે લુચ્ચો ગણાય, અને તેની અવસ્થા પણ લુચ્ચાના જેવી જ થાય ત્યારે પ્રામાણિકપણે કોણ ચાલે? પાદશાહના આ દૃઢ વિચારનું પરિણામ એટલું જ થયું કે દેશની આમદાની સરકારને એાછી થઈ. રૈયત પાસેથી ઘણાં જ વધારે પૈસા લેવામાં આવ્યા, અને તે પૈસા સુબાના ખાનગી ખજાનામાં ભરાયા, જમીન ઉપર મહેસુલ વધારી દીધું અને ખેડુતો ભુખે મરવા લાગ્યા, તથા તેઓના ઉપર ઘણો જ જુલમ ગુજરવા લાગ્યો, વેપારની વસ્તુઓ ઉપર જકાત પહેલાં કરતાં ચેાગણી થઈ તેથી વ્યાપાર પણ તુટવા લાગ્યો, વેપારીઓને ઘણું નુકશાન પહોંચ્યું, અને શેહેરમાંથી દોલતનો પણ ઘટાડો થયો. સહેજ અન્યાયને માટે સારા સારા આબરૂદાર લોકોને પકડી મંગાવી તેઓને એટલી તો દેહશત આપવામાં આવતી, તથા વખતે તેઓના શરીરને ભયંકર યંત્રો વડે એટલું તે દુઃખ દેવામાં આવતું કે તેઓ આવી અવસ્થામાંથી છૂટવાને માગે તેટલું અથવા ઘણામાં ઘણું આપી શકાય તેટલું દ્રવ્ય આપીને મુગે મ્હોંએ ઘેર જતા, જે લોકોએ પૈસો મેળવી સંગ્રહ કીધો એવો તેઓના ઉપર શક આવે, અથવા જેઓ પોતાની આબરૂને ઘણી પ્યારી ગણે છે