આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૨૧ )


શરીરે લાંબો હતો તેનું મ્હોં લંબગોળ હતું, તેનું નાક સીધું તથા લાંબુ હતું. તેના ઓઠ નાના તથા બિડાયેલા હતા, જેથી જણાતું કે તે ઘણો આગ્રહી, એટલે જે કામ મનમાં ધારે તે કર્યા વિના રહે નહી, એવા સ્વભાવનો હતો. એ સ્વભાવને લીધે તે ઘણી વખતે ઉતાવળથી તથા વગર વિચારે કામ કરતો, તેથી જ તેનું ઉપનામ ઘેલો પડ્યું હતું. તેની આંખ જરા લાંબી હતી, અને હમેશાં રતાશ પડતી રેહેતી તેથી તેનું રૂપ કાંઈક વિક્રાળ દેખાતું, અને તે જોઈને દુષ્ટ લોકો થથરી જતા. તેનામાં ક્ષત્રિયનું ખરેખરું લોહી હતું, અને તેની હિમ્મતનાં સઘળે ઠેકાણે વખાણ થતાં હતાં. તેમાં મુખ્ય ખોડ બે હતી. એક તેનો ઉતાવળો તથા ઉન્મત્ત સ્વભાવ, અને બીજી વિષયવાસના. એ છેલ્લી ખોડ તેની આંખ ઉપરથી સ્પષ્ટ દેખાઈ આવતી હતી; તેમ તેની ખાનગી ચાલચલણથી એ વાત સઘળાને જાણીતી હતી. તેનું કપાળ વિશાળ હતું, અને તેની ભમર જાડી તથા એક બીજાની પાસે પાસે આવી ગયલી હતી તેથી તેનામાં દઢતાને ગુણ કોઈ પણ જોનારને લાગતો. આ વખતે તેણે પોશાક ઘણો કીમતી પહેર્યો હતો. માથાપર મંદીલની પાઘડી પહેરી હતી, તે ઉપર હીરા તથા મોતીનો શિરપેચ બાંધેલો હતો. અંગરખું જરીનું હતું, અને એક કાશીની બનાવટનું શેલું કમરે વીંટાળેલું હતું, જેમાં સોનાના મિયાનની તથા હીરે જડેલી મૂઠવાળી તલવાર તથા હીરામોતીએ જડેલું ખંજર ખોસેલું હતું. તેની ડોકમાં મોતીની માળાઓ તથા હીરાના કંઠા હતા. તેણે કિનખાબની સુરવાલ પહેરેલી હતી, અને એક પગે સોનાનો તોડો હતો. જોડા મખમલના હતા તથા તે ઉપર સોનેરી ટીકડી ચોઢેલી હતી. તેને માથે મોરપીંછ હતાં, તથા આસપાસ બે ખીદમતગારો ચંમર કરતા હતા. એવી શોભાથી કરણ રાજા ગાદીએ બિરાજેલો હતો.

દરબાર ભરાતાં જ ત્યાં બેઠેલા બ્રાહ્મણો આશિર્વાદના મંત્રો ભણવા લાગ્યા. તે પુરા થયા પછી ગુણિકાએ થોડીવાર ગાયન ગાઈ, કટાક્ષ કરી તથા બીજા હાવભાવ દેખાડી રાજાનું મન રંજન કીધું. તે દહાડો દશેરાનો હતો માટે એક ભાટે ઊઠીને રામની લંકા ઉપર ચઢાઈ થઈ