આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૨૭૭ )

રજપૂતો વડે લડવું એ કામ તેઓને જોખમ ભરેલું લાગ્યું. વળી જો હાર થાય તો ઘણાંએક માણસ કપાઈ જાય, તેની સાથે દેવળદેવી કદાચ દુશ્મનોના હાથમાં પડે એ વિષે ભીમદેવને ઘણી દેહેશત હતી, માટે હમણાં લડાઈ કરવાની વિરૂદ્ધ તેણે પોતાનો અભિપ્રાય આપ્યો. બીજા સામંતોએ પણ એવી જ સલાહ આપી કે “લડવામાં કંઈ ફાયદો નથી.” હવે શું કરવું ? બાગલાણના કિલ્લામાં જઈને ભરાઈ બેસવા સિવાય બીજો કાંઈ ઉપાય ન હતો. તેમ કરવામાં ફાયદો એટલો જ કે, જો લડવાનું યોગ્ય લાગે તો કિલ્લામાંથી બહાર નીકળી લડી શકાય, અને જો હાર થાય તો પાછા કિલ્લામાં જઈ શકાય; અને ફરીથી યુદ્ધ કરવાનું બની આવે. એ પ્રમાણે કરવામાં અગર જો થોડી નામરદાઈ હતી, અગર જો પાછળ ભરાઈને માર મારવો એ તેઓની નજરમાં કાયર પુરુષનું કામ હતું, તોપણ આવી વખતે તેઓની અવસ્થામાં એ જ સારામાં સારો રસ્તો તેઓને જણાયો, મરીને શું કરવું? 'જે આજે લડીને નાશી જાય તે કાલે લડવાને જીવતા રહે' એ કેહેવત પ્રમાણે ચાલવાનો તેઓએ નિશ્ચય કીધો, પણ કિલ્લામાં ભરાઈ રહેવામાં એક મોટો ગેરફાયદો હતેા. બાગલાણ ગામ કાંઈ મોટું ન હતું, ત્યાંના વેપારીઓ મોટા તથા દ્રવ્યવાન ન હતા; તેની આસપાસ કાંઈ ઘણાં ગામો ન હતાં; પાસેનાં ખેતરોમાં અનાજ પુષ્કળ પાકતું ન હતું; લોકો જે અનાજ વાપરતા હતા તે આઘેથી આવતું હતું; શેહેરમાં ખાનગી લોકો પાસે કાંઈ અન્નનો ઘણો સંગ્રહ ન હતો; તથા દુકાનોમાં માલ જોઈએ તેટલો ન હતો. જો શેહેરના લોકોમાં ઉમેરો ન થાય તો આશરે બે ત્રણ મહીના સુધી ચાલે એટલું અનાજ હતું, પણ જયારે લશ્કરનો પડાવ શેહેરમાં થાય ત્યારે એક મહીનો પણ પહોંચે એટલો માલ નીકળવો મુશ્કેલ પડે. માટે જે કરવું તે એક મહીનાની મુદતમાં કરી લેવું અને મુસલમાનોને મારી હઠાવવા અથવા તેઓને કાયર કરી થકવીને પાછા કાઢવા, પણ જો એ બેમાંથી એક પણ કામ તેટલી ટુંકી મુદતમાં બની ન શકે તો પછી શી અવસ્થા? જો મુસલમાનો જય મેળવીને કિલ્લો સર કરે, અથવા કિલ્લા આગળ ધીરજથી પડી રહે અને શેહેરમાં