આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
(૨૮૧)

અન્ધારાને લીધે તેઓથી ઝડપ થઈ શકી નહી, અને તેથી દુશ્મનોને સામા થવાનો વખત મળ્યો, મુસલમાનોનાં સેંકડો માણસ આ રાત્રે કપાઈ ગયાં તેથી અલફખાંનાં તમામ માણસોને ઘણું શૂર ચઢયું, તેઓમાં ક્રોધનો આવેશ આવ્યો, અને તેથી તેઓએ એવો ઠરાવ કીધો કે મરતાં સુધી રજપૂતોને કદી રસ્તો આપવો નહી, જ્યારે કરણનું લશ્કર તેઓની પાસે આવ્યું, ત્યારે તેઓને આદરમાન આપવાને તૈયાર છે, એમ જણાવવાને તેઓએ એકી વખતે અને એકે સ્વરે “અલ્લાહુ અકબર” ની જોરથી બુમ પાડી. તેની સામા રજપૂતોએ “હરહર મહાદેવ” નો પોકાર કીધો. તે વખત ઘણો જ ભયંકર હતો. બંને લશ્કરના અવાજથી તે સઘળી જગા ગાજી રહી, અને પાસેના ડુંગરોમાંથી તેનો પડઘો પડયો. પાછળથી મરતા અને ઘાયલ થયલાં માણસો રડતાં હતાં, તથા દરદને લીધે ચીસાચીસ પાડતાં હતાં તે આ મોટા અવાજમાં ધીમું ધીમું સંભળાતું હતું. અન્ધારામાં તલવારનો ચળકાટ વિજળીની પેઠે દેખાતો હતો. વળી તે વખતે વાતાવરણમાં પણ જાણે એક યુદ્ધ થઈ રહ્યું હતું. ચોદિશાએથી પવનના સપાટા સામસામા અથડાતા તેને લીધે ઝાડોના હાલવાથી પણ ઘણો અવાજ થતો હતો. વનમાં ઝાડની ડાળીઓ ભાંગી પડતી તેના કડાકા સંભળાતા હતા. સુકાં પાતરાં ચોતરફ ઉડતાં તેનો પણ ખડખડાટ થઈ રહ્યો હતો; અને ધુળ, પાતરાં, તથા બીજી હલકી વસ્તુઓ વંટોળીચામાં ઘસડાઈને ઉપર જતી હતી તેથી હવા સઘળી કચરાથી ભરાઈ ગયલી હતી. આવી વખતે રાની પશુઓનો શબ્દ તો ડુબી જ ગયો; નગારખાનામાં તતુડીનો અવાજ કયાંથી સંભળાય ? એવી રીતે ત્યાંનો દેખાવ થઈ રહ્યો હતો. ત્યાં વિવેક બુદ્ધિવાળાં માણસો, જેઓને ખરૂં ખોટું સમજવાની શક્તિ આપેલી છે, જેઓની વચ્ચે કેટલીક તરેહનો સંબંધ રહેલો છે, તથા જેઓએ એક બીજાને પોતાના ભાઈઓ જેવા ગણવા જોઈએ એવો જગતકર્તાનો નિયમ છે, એવાં માણસો એકએકનો જીવ લેવાને તૈયાર થયલાં હતાં, તેઓ સઘળાંમાં એક જાતનો શેતાન ભરાયલો હતો. તેઓનાં મનમાં એક મોટું તોફાન થઈ રહ્યું હતું, અને સઘળા સારા ગુણો તથા વૃત્તિઓ દબાઈ જઈને તેઓને