આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૨૨ )

તેનું એક કવિત કહી સંભળાવ્યું. પછી બીજો ભાટ એક બીજું કવિત બોલ્યો, તેમાં પાંડવો વૈરાટ નગરમાં ગયા તેનું વર્ણન કીધેલું હતું. તે બેઠા પછી પંડિતોએ વ્યાકરણનો થોડો વિવાદ ચલાવ્યો. પછી ચિતારાએ એક ઘણી રૂપાળી સ્ત્રીનું ચરિત્ર રાજાને નજર કરી તેનું રૂપ વર્ણવ્યું. એ થઈ રહ્યા પછી બીજું કાંઈ કામ તે દહાડે ન હતું તેથી જુદા જુદા વિષય ઉપર સઘળા વાતો કરવા લાગ્યા.

આ સઘળું કામ થઈ રહ્યું ત્યારે સવારના દસ વાગ્યાનો વખત થયો હતો. રાજાનો જઠરાગ્નિ કાંઈ મંદ નહતો તેથી દરબારમાંથી તે ઉઠ્યો. ચોબદારોએ ધારા પ્રમાણે નેકી પોકારી. કામદાર લોકો પોતપોતાને ઘેર ગયા. રાજાએ ભોજનશાળામાં જઈ રૂપાના પાટલા ઉપર બેસીને સોનાની થાળીમાં યથાસ્થિત ભેાજન કીધું. ત્યાર પછી પાનસોપારી, તેજાના વિગેરે ખાધાં, અને સુવાના ઓરડામાં જઈ પલંગ ઉપર બેઠો. તે વખત ત્યાં એક ભાટ તથા એક બ્રાહ્મણ જે રાજ્યગુરૂ હતો, તે હાજર હતા, તેઓને રાજાએ પોતાના પલંગ પાસે બેલાવ્યા, દરરોજ જમ્યા પછી ધર્મ, નીતિ તથા રાજ્ય સંબંધી જે વાતો શાસ્ત્રમાં લખેલી હોય તે બ્રાહ્મણેને મ્હોડે સાંભળવાની રાજાને ટેવ હતી, તેથી તે દિવસે રાજા બોલ્યોઃ “ગુરૂજી ! આજે શા વિષય ઉપર વાત ચલાવીશું ?” ગુરૂજીએ થોડોએક વિચાર કરી જવાબ દીધો, “રાજાધિરાજ, ઘણા દહાડા થયાં રાજાનો ધર્મ શો છે, અને રાજાએ કેવી રીતે વર્તવું જોઈએ, એ વિષે આપ સાથે વાત કરવાનો વિચાર હતો, પણ આજ સુધી તેમ કરવાની જોગવાઈ આવી નહી તેથી આજે તે વિષય આપણે ચલાવીશું, અને હું આશા રાખું છું કે આપ મારી વાત શ્રવણ કરી તે પ્રમાણે ચાલવાનો પ્રયત્ન કરશો.” ભાટે પણ શાસ્ત્રમાંથી તો નહી પણ લોકવ્યવહારથી એ વિષય ઉપર થોડું ઘણું જ્ઞાન મેળવ્યું હતું તેથી તે પણ ગોર મહારાજ સાથે સામેલ થવાને જાગૃત થયો. ગોર મહારાજે પહેલાં મહાભારતમાંથી નીચે પ્રમાણે એક વાત કહી.

“રાજા વિના કોઈ દેશ સુખી થઈ શકતો નથી. શરીરની સુખાકારી, સદ્દગુણ ઈત્યાદિ કાંઈ કામ લાગતાં નથી. બે માણસ મળીને