આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૨૮૩ )

ઘાયલ થઈને પડતાં તેઓ તેમના સોબતીના પગ નીચે છુંદાઈ જતાં હતાં, અથવા તેઓને તેમના સાથીઓ બાજુ તરફ ફેંકી દેતા હતા ત્યાં તેએા પડ્યા પડ્યા બરાડા બરાડ પાડતાં હતાં. એ પ્રમાણે મારામારી તથા કાપાકાપી ત્રણ કલાક સુધી ચાલી; પણ તેટલા વખતમાં બેમાંથી કોઈ પાછું હઠ્યું નહી. સવાર પડવા આવી, રાતનો અમલ ઉતરી ગયો, પૂર્વ દિશાએ અરૂણનો પ્રકાશ દેખાવા લાગ્યો, વાદળાંનો રંગ તેણી તરફ ઘણો જ સુન્દર રતાશ પડતો થઈ ગયો, તારાઓ એક પછી એક પોતાનું મ્હોં છુપાડવા લાગ્યા, અને આસપાસની સઘળી વસ્તુઓ ધીમે ધીમે અન્ધકારમાંથી નીકળવા લાગી. થોડી વાર પછી જ્યારે સૂર્ય ઘણા દબદબાથી પૂર્ણ બિંબ સાથે બહાર આવ્યો, ત્યારે એક ભયાનક તથા હૃદયભેદક દેખાવ નજરે પડયો; રણભૂમિમાંથી લોહીની નીક વેહેતી હતી; કેટલેક ઠેકાણે લોહીનાં ખાબોચીયાં ભરાઈ રહ્યાં હતાં; સામસામાં લશકર વાઘ અથવા વરૂનાં બે ટોળાંની પેઠે ગુસ્સાથી તથા ક્રુર પણાથી લડતાં હતાં; બંને તરફનાં મરી ગયલાં માણસો જુદે જુદે ઠેકાણે તથા જુદી જુદી રીતે જમીન પર પડેલાં હતાં, કેટલાએકનાં મ્હોં વકાસેલાં હતાં; કેટલાએકની અાંખ ઉઘાડી રહી ગઈ હતી; કેટલાએકની શિકલ તેએાના મરતી વખતના કષ્ટને લીધે વિક્રાળ થઈ ગયલી હતી; કેટલાએકનાં અવયવો કપાઈ ગયલાં આઘાં પડેલાં હતાં. અને કેટલાંએકનાં માથાં વગરનાં ધડ રઝળતાં હતાં. તે જ પ્રમાણે ઘાયલ થયલા લોકો ભોંયપર ટળવળતા હતા. તેઓની ચાકરી કરનાર કોઈ નહી, તથા તેઓને ત્યાં જે જોઈએ તે આપનાર કોઈ મળે નહીં. કોઈ તેના ઘા ઉપર હાથ ફેરવનાર નહી, કોઈ તેને મીઠાં વચન કહી જીવને આરામ આપનાર અથવા દરદમાં દિલાસો આપનાર નહી; તેના ઘા ઉપર ઓસડ ચોપડનાર અથવા કોઈપણ રીતે તેની વેદના કમી કરનાર મળે નહી, એટલે બિચારા પોકેપોક મૂકી રોતા હતા; આવી દુ:ખદાયક અવસ્થામાંથી પરમેશ્વર તેઓને જલદીથી આ પાર કે પેલે પાર આણે માટે તે દીનદયાળ પ્રભુની સ્તુતિ કરતા હતા, તથા કેટલાએક આવા દુ:ખમાં પોતાની મા તથા બાપને સંભારતા હતા. યુદ્ધ કરવામાં શૌર્ય આણવાને બંને તરફવાળાઓ વાજીંત્રો વગાડતા હતા.