આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૨૮૭ )

બઈરાંને ઘસડી લઈ જવામાં તેમને શી હરકત પડશે ? માટે તમે તમારા લોકોનું, તમારા દેશનું તથા તમારા રાજાનું જરા અભિમાન રાખો, અને જે હવે પછી તમારી રાણી થવાની છે તેને શત્રુઓના હાથમાં પડતી બચાવો. શું દુનિયામાં એમ કહેવાશે કે દેવગઢના રાજ્યના લોકો એવા હીચકારા હતા કે તેઓએ પોતાની રાણીને પોતાના દેશમાંથી પારકા દેશમાં લઈ જવા દીધી ? એમ થાય તો તે મોટામાં મોટી ગેરઆબરૂ સમજવી. પણ મને આશા છે કે તમે સઘળા એવા અધમ નથી કે એમ થવા દઈ તમારું નામ જગતમાં ડુબાવશો, માટે જાગૃત થઈ જાઓ. આબરૂને વાસ્તે વિચાર રાખો મરવાની દહેશત છોડી દઈ બઈરાં જેવી ચાલ ચાલતાં શરમાઓ, અને દુનિયાની સઘળી વાત આબરૂ આગળ હલકી ગણીને ઢાલ તરવાર બાંધીને તૈયાર થઈ જાઓ, કોઈ શા માટે જવાબ દેતું નથી ? તમારામાંથી કોઈને જુસ્સો કેમ આવતો નથી ? શું એવો વખત આવ્યો છે કે માણસો જીંદગી ઉપર એટલી બધી પ્રીતિ રાખે કે પોતાના રાજાની તરફથી પણ લડવાની ના કહે ? અરે ! શરમ છે તમને સઘળાને ! ધિક્કાર છે તમને ! ધુળ પડી તમારી જીંદગી ઉપર !” એટલું કહી તે ચુપ રહ્યો, તેને એટલો બધો ક્રોધ ચઢી ગયો કે તેનાથી વધારે બોલાયું નહી.

પણ ભીમદેવનું આ સઘળું બોલવું પવનમાં ઉડી ગયું, એ તો પથ્થર ઉપર પાણી, તેઓ સઘળા જડ થઈને બેસી રહ્યા, કોઈના ઉપર કંઈ અસર થઈ નહીં, તેઓના મનમાં નક્કી હતું કે આ કામમાં જય મળવાનો નથી, માટે જીંદગી શા માટે નકામી ફેંકી દેવી જોઈએ ? પણ જે જીંદગીના ઉપર તેઓને આટલી બધી પ્રીતિ હતી, જે જીંદગીને વાસ્તે તેઓ પોતાની પ્રતિષ્ઠા ખોવા બેઠા હતા, અને જે જીંદગીને વાસ્તે તેઓ પોતાના રાજા આગળ હલકા પડ્યા, તે જીંદગી ઘણી વાર ટકે એવો સંભવ ન હતો, મુસલમાનો સિવાય એક બીજો શત્રુ શેહેર ઉપર ચઢી આવ્યો હતો, તે શત્રુ અદૃશ્ય હતો; તેના સપાટામાંથી બચવું મુશ્કેલ હતું, અને તેના હાથથી મરવામાં કાંઈ પણ આબરૂ ન હતી. એ શત્રુ દુકાળ હતો. જો તેઓએ ભીમદેવના કહ્યા પ્રમાણે કીધું હોત, જો તેઓ સઘળાએ મળીને મુસલમાનો ઉપર હુમલો કીધો હોત, તો કદાચ આ નવા શત્રુના હાથમાંથી