આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૨૮૯ )

જ નહીં. તે બીચારાં ભુખે મરી ગયેલાં માણસોનાં શરીર લોહી ઉડી જવાથી ધોળાં ફક જેવાં થઈ ગયાં હતાં, તેઓમાંથી માંસ તથા ચરબી પીગળી જવાથી હાડકાં સઘળાં બહાર નીકળી આવ્યાં હતાં; તેઓના ચેહેરા ફિક્કાં સુકાઈ ગયલા, તથા ખડબચડા થઈ ગયલા હતા, અને તેઓ એવા તો બીહામણા થઈ ગયા હતા કે તેઓમાં અને મલીન ભતમાં કાંઈ અંતર રહેલું ન હતું. વળી આ ભયંકર ચેહેરા ઉપર તેઓના મનના સઘળા દુષ્ટ વિચારો બહાર નીકળી આવેલા હતા. દ્વેષ, અદેખાઈ, ક્રોધ, મરવા તથા મારવા વિષે બેપરવાઈ, તથા ભુખમરાથી જ યમરાજાના દરવાજા આગળ આવી પહોંચેલા લોકોમાં જે જે નઠારા ગુણો પ્રકટ થઈ આવે તે સઘળા તેઓના મ્હોં ઉપર સાફ માલમ પડતા હતા. સારાંશ કે તેઓના ઉપર ખુદ મોત આવીને બેઠું હતું, અને જો તે માણસનું રૂપ ધારણ કરે, તો તેનું સ્વરૂપ આ લોકોના જેવું બરાબર થાય. એ તો આપણે તેના બહારના દેખાવનું વર્ણન કીધું; પણ તેઓના મનમાં જે અવ્યવસ્થા થઈ રહી હતી, ભુખને લીધે જે તેઓને મહા વેદના થતી હતી, તેનું વર્ણન તો વૈદકશાસ્ત્રમાં જેઓ પ્રવીણ હોય તેઓ જ કરી શકે તથા જેઓને તે વાતનો અનુભવ થાય તેને જ તેની ખબર પડે. રસ્તે ચાલતાં ચાલતાં કેટલાંએક તમર ખાઈને પડી જતાં, અને તત્કાળ મરણ પામતાં, અથવા તેઓ એક બે દિવસ સુધી તેવી હાલતમાં રીબાયાં કરતાં. જ્યાં સઘળા ઉપર સરખી જ આપદા આવી પડેલી, ત્યાં એકેક ઉપર દયા પણ કોણ લાવે ? તથા તેનું દુઃખ મટાડવાને કોણ ઉપાય કરે ? માટે તેઓ રસ્તામાં બીજાં મુએલાં માણસોની સાથે જીવતાં પડી રહેતાં હતાં. કેટલાંએકથી તો બહાર નીકળાતું જ ન હતું. તેઓ ભુખથી એવાં અશક્ત થઈ ગયાં હતાં કે તેમનાથી ઉઠાતું પણ ન હતું તેઓ ઘરમાં સુતાં સુતાં બરાડા બરાડ પાડતાં હતાં. નાનાં નાનાં છોકરાં રસ્તામાં ટળવળતાં હતાં અને પછાડા મારી મારીને મરી જતાં અથવા મરણતોલ થઈને ભોંય ઉપર પડતાં હતાં, છોકરાંની મા ઘેલી જેવી આણીગમ તેણીગમ દોડતી, અને કડકો રોટલો જે તેણે છુપાવી રાખ્યો હોય તે પોતાનાં હાડપિંજર જેવાં સુકાઈ ગયલાં છોકરાંને ખવડાવતી, અને