આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૨૯૧ )

પ્રમાણે તે લોકોના ઉપર દુકાળ અને મરકી એ બે આફતો આવી પડી, અને તેથી મૃત્યુનું કામ ઘણું જ ધમધોકાર ચાલવા માંડ્યું, જેઓ કદાચ દુકાળના સપાટામાંથી બચે તેઓ મરકીના ઝપાટામાં ઘસડાઈ જાય. જ્યારે શહેરમાં મરકીએ દેખાવ આપ્યો, ત્યારે તો લોકો છેક નિરાશ થઈ ગયાં, તેઓએ જીવવાની સઘળી આશા છોડી દીધી અને મોતને વાસ્તે ઘણી જ બેપરવાઈ દેખાડવા માડી. પછી રસ્તામાં જે મુડદાં પડે તેને કોઈ ઉઠાવે પણ નહી, અને ત્યાં તેઓ સડ્યાં કરે. ઘરોમાં પણ મુડદાં પડી રહેતાં. શેહેરમાં કાગડા, ગીધ, અને સમડી ધોળે દિવસે મુડદાને પીંખી નાંખતાં, વખતે કુતરાં, બિલાડાં તેઓને ઘસડતાં તથા ફાડી ખાતાં, રાત્રે જંગલમાંથી શિયાળવાં તથા બીજાં હિંસક પશુઓ શેહેરમાં ઉજાણી કરવા આવતાં. ગાય, ઢોર તથા બીજા પાળેલાં જાનવરો ધણી વિના, ખાધા વિના, સંભાળ વિના મરવા લાગ્યાં. તેએાએ પણ શેહેરની દુર્ગંધમાં વધારો કીધો, માણસો તથા તેની સાથે સંબંધ રાખનારાં પ્રાણીઓને આ પ્રમાણે નાશ થતો હતો, અને માંસભક્ષક પશુઓનાં મનને માટે ઉત્સવ થઈ રહ્યો હતો. દુકાળ તથા મરકીને લીધે જેવો લોકોની શરીરની અવસ્થામાં ફેરફાર થયો તેવો જ તેઓની મનની સ્થિતિમાં પણ ફેરફાર થયો હતો. માણસમાં જે દુષ્ટ તથા નઠારા ગુણે હોય છે તેઓ સઘળા આ વખતે પ્રકટ થયા તથા સઘળા સારા તથા ઉંચા ગુણો દબાઈ ગયા. માણસામાંથી માંહેમાંહેની શરમ ઉઠી ગઈ, સગપણનો નાશ થયો, દોસ્તી હોલવાઈ ગઈ; સ્વાર્થ સ્વાર્થ સઘળે ઠેકાણે સઘળાના મનમાં વ્યાપી રહ્યો. માબાપ અને છોકરાંની વચ્ચેનું તથા ધણીધણિયાણી વચ્ચેનું સઘળું હેત નાસી ગયું, એ વખતે કોઈ કોઈનું નહી, સૌને સૌનું લાગ્યું હતું. લોકોના મનમાંથી ધર્મનો અંશ જતો રહ્યો, પરમેશ્વરને તેઓ ભૂલી ગયા. મોતનો ડર તથા મુએલાં માણસને વાસ્તે માન એ બંને જતાં રહ્યાં; આ સઘળી આફત જોવાથી તથા મોત તેઓની પાછળ ડગલાં ભરતું હતું તે વિચારથી ઈશ્વર તરફ મન લઈ જવાને તથા શોકાતુર થઈને શાણપણ તથા ગંભીરતા પકડવાને બદલે તેઓ ઉલટા ખુશી થતા તથા આણીગમ તેણીગમ અતિ આનંદમાં ફરતા દેખાતા હતા.