આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૨૯૨ )

તેઓનાં મગજ ભુખથી ફરી ગયેલાં હતાં. આવી અસ્વાભાવિક વર્તણુક કોઈ બીજા જ કારણને લીધે તેઓએ પકડી હતી. એ ગમે તેમ હોય તો પણ દિવસે અને રાત્રે કેટલાંએક ભૂત જેવાં બીહામણાં માણસોનાં ટોળાં રસ્તામાં મોટે અવાજે તથા ખુશીથી ગાતાં, વાજીંત્રો વગાડતાં, તથા ઘણો શોર કરતાં જતાં હતાં. એ પ્રમાણે કરવામાં તેઓની મતલબ કાંઈ પણ જણાતી ન હતી. તેઓ માત્ર વખત કાઢવાને તથા મોતનો વિચાર દૂર કરવાને ફરતાં હતાં. કેટલાંએક માણસો સનેપાતના જોરમાં બહાર નીકળીને ફરતાં અથવા દોડતાં હતાં, તેઓ ગાતાં, બૂમ પાડતાં અથવા વગર અર્થનું અને વગર મતલબનું બોલતાં. અને છેલ્લી વારે એવા જોરથી ખડખડ હસી પડતાં કે આખો મોહલ્લો ગાજી રહેતો. એ પ્રમાણે શેહેરની અવસ્થા થઈ રહી હતી.

હવે કિલ્લામાં જ્યાં કરણ રાજા, ભીમદેવ, દેવળદેવી તથા મુખ્ય સામંતો અને બીજા સરદારો રહેતા હતા તેઓને વાસ્તે તો કિલ્લાના કોઠારમાં કેટલુંક અનાજ ભરી રાખેલું હતું તેમાંથી થોડું થોડું તેઓ વાપરતા, અને એ પ્રમાણે કસર કરી તેઓએ અનાજ અત્યાર સુધી પહોંચાડ્યું હતું, અને હજી થોડા દહાડા વધારે ચાલે એટલું બાકી રહેલું હતું. લોકોને એ જોઈને ઘણી અદેખાઈ આવતી હતી, અને તેઓને વાસ્તે પોતે મરણ પામે, અને જેઓ લડાઈનાં મુખ્ય કારણ તેઓ જીવતાં રહે એ જોઈને તેઓને ક્રોધ આવતો હતો. પણ તેઓને ગુજરાતના દુર્દશામાં આવી પડેલા દુર્ભાગ્ય કરણ રાજા ઉપર દયા આવતી હતી, તથા પોતાના રાજાના કુંવર ભીમદેવની તેઓ આબરૂ રાખતા હતા, તેથી તેઓએ કિલ્લા માંહેના લોકોનો કશી રીતનો ઉપદ્રવ કીધો નહીં. એ છતાં પણ કેટલાએક ફિતુરી, હલકા, તથા લુચ્ચા લોકોએ કિલ્લા ઉપર હુમલો કરી તેમાંનું અનાજ લુંટી લેવાનો એક કરતાં વધારે વાર નિશ્ચય કીધો, પણ તેઓમાંના વિચારવંત, દયાળુ, તથા રાજનૈષ્ટિક લોકોએ તેમને સમજાવ્યા કે એટલું અનાજ લુંટી લાવ્યાથી શહેરમાંના આટલાં બધાં માણસોને કાંઈ વધારેવાર ફાયદો થવાનો નથી, અને કિલ્લામાંના મોટા માણસો જેઓ દુનિયામાં અગત્યના છે તેઓ મરણ પામશે, તે વાત તેઓના મનમાં ઉતરી, તેથી