આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૨૩ )


એકની મિલકત દબાવી પડે, અને એમ માણસો એક બીજાને ઉપદ્રવ કરે; એ પ્રમાણે જેમ જુદા જુદા પ્રકારનાં માછલાં એક બીજાનો નાશ કરે છે તેમ માણસો પણ એક એકનો નાશ કરે. એ પ્રકારે માણસો એક બીજા ઉપર જુલમ નિરંતર કર્યા કરતાં હતાં. તે વખતે તેઓ રાજા માગવાને બ્રહ્મા પાસે ગયાં. બ્રહ્માએ મનુને રાજા થવાને કહ્યું. મનુએ જવાબ દીધો, “મહારાજ ! હું પાપનાં કામથી બીહું છું રાજ્ય- કારભારમાં જોખમ ઘણું, તેમાં વિશેષે કરીને હમેશાં જુઠું બોલનાર માણસોને જવાબદારી વધારે છે.” લોકોએ તેને કહ્યું, “બીહીશો મા, તમને સારો બદલો આપીશું. પશુઓનો પચાશમો ભાગ, તેમ જ સોનાનો તેટલામો ભાગ તમને મળશે. અનાજનો દશમો ભાગ તમને આપીશું; અને તમારા ભંડારમાં વૃદ્ધિ કર્યા કરીશું. કન્યા ઉપર ઘટતું દાણ, તથા મુકર્દમા અને જુગાર રમવા ઉપર કર આપીશું. વળી જેમ દેવતાઓ ઈંદ્રરાજાને તાબે રહે છે તેમ જ દ્રવ્યવાળા તથા વિદ્વાન પુરૂષો તમારા તાબામાં રહેશે. તમે અમારા રાજા થાઓ, તમે શક્તિવાન થશો. તમને કોઈ ભય પમાડી શકશે નહી; અને જેમ કુબેર યક્ષલોકો ઉપર સલાહસંપથી રાજ્ય ચલાવે છે તેમ તમે ચલાવશો. રાજાના આશ્રય નીચે રહીને રૈયત જે જે પુણ્યનાં કામો કરશે તે પુણ્યનો ચોથો ભાગ તમને મળશે. એ પ્રમાણે જેમ શિષ્ય ગુરૂને શ્રેષ્ઠ ગણે છે, દેવતાઓ ઇંદ્રને ઉપરી માને છે, તેમ જેઓને ઉંચી પદવી મેળવવાની ઇચ્છા હોય તેઓએ રાજાને શ્રેષ્ઠ માનવો, કેમકે તે લોકોનું રક્ષણ કરનાર છે. જ્યારે તેઓ રાજાની સમક્ષ ઉભા રહે ત્યારે તેઓએ રાજાનું પૂજન કરવું.” એટલી વાત સાંભળીને યુધિષ્ઠિર બોલી ઉઠ્યો, “જન્મ, મરણ, આવરદા તથા શરીરનાં અવયવો રાજાનાં અને બીજા લોકોનાં સરખાં જ છે, ત્યારે બળવાન શૂરા પુરૂષોએ રાજાને શા માટે માન આપવું જોઈએ ! તથા તેનું પૂજન શા માટે કરવું જોઈએ? અને રાજા સુખી અથવા દુ:ખી હોય તે પ્રમાણે તેઓને સુખદુઃખ શા માટે થવું જોઈએ?” એ પ્રશ્ન સાંભળીને ભીષ્મપિતામહે રાજાની ઉત્પત્તિ સંભળાવી, અને તે ઉપરથી સિદ્ધ કીધું કે જગતનું કલ્યાણ રાજાના ઉપર આધાર રાખે છે.”