આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૩૦૭ )

હતું, પણ ક્રોધને લીધે તેની છાતી બંધ થઈ ગઈ અને તેનાથી બોલી શકાયું નહી. પણ જ્યારે ભટ ઉપર પ્રમાણેનું ભાષણ કરી ચુપ બેઠા, ત્યારે ભટાણીનો સઘળો અગ્નિ પ્રદીપ્ત થયો; અને પેહેલો જુસ્સો તો તેણે ગાળ દેવામાં જ ખાલી કીધો, તે બોલી: “અરે ભંગી ! અફીણી ! ગાંજાખેર !અરે દુષ્ટ વ્યસની ! અરે બાયલા! તું પુરૂષને રૂપે સ્ત્રી છે, તને પુરૂષ બનાવવામાં બ્રહ્માની ભૂલ થઈ છે. મારાં કયા જન્મનાં પાપ નડ્યા કે હું તારે પાલવે પડી. મારાં માબાપ આંધળાં હશે કે મારે વાસ્તે આવો ધણી શોધી કાઢ્યો. તને તે મશાલ લઈને શોધી કાઢ્યો હશે. અરે, બીજા મરી ગયા હશે, કે તારે કર્મે હું પડી ? બળતી મશાલે ખરે બપોરે મને કુવામાં નાંખી. તને પરણીને હું શું સુખ પામી છું ? તું તો નિશામાં અાંધળો થઈને પડી રહે છે તે તેં કાંઈ જોયું છે ? બીજાં આપણી ન્યાતમાં બઈરાં કેવાં ફરે છે? લુગડાં ઘરેણાંથી તેઓ ભરપૂર રહે છે. તેઓના સઘળા કોડ તેઓના ધણી પૂરા પાડે છે. તેઓનાં મન રાજી રાખવાને તેઓ સવારથી સાંજ સુધી ગદ્ધાવહિતરૂં કરે છે. તેઓની મરજી સંભાળે છે. તેઓની સાથે હેતથી રહે છે. પણ હું અભાગણી કેવી ? એવું સુખ મારા જન્મારામાં ભોગવ્યું નથી. મારો અવતાર છેક એળે ગયો. મારાં સુખ તો સ્વપ્નામાં જ વહી ગયાં. મારી ઉમેદ તો ઉગતી જ દબાઈ ગઈ. અરે દૈવ ! મારા ઉપર આટલી આફત, આટલું દુ:ખ શા માટે નાંખ્યું ? ધણીધણીયાણીના સુખનો સ્વાદ તો મેં કોઈ દિવસ ચાખ્યો જ નથી; અરે, લુંગડાં, ઘરેણાં તો ક્યાંથી જ ? મુઆનામાં રળવાની શક્તિ નથી; પીટ્યાથી પોતાના પેટનું તે ભરણપોષણ થતું નથી; એ તો મારે લીધે તને, મને, તથા આ મુઅાં નાનાં નાનાં છોકરાંના ભુડકસને કકડો રોટલો મળે છે, તો પછી બીજું શું તું આપવાનો છે? જો હું બેસી રહું, જો હું રાત દહાડો ફીકરમાં રહેતી ન હોઉં, જો હું પેટને સારૂં ફાંફાં મારતી ન હોઉં, તો આપણે સઘળાં ભુખે મરી જઈએ, એ સઘળું એ મુઓ ભૂલી ગયો ? અને આજે મને શીખામણ દેવા બેઠો છે ! કળજુગ ને સતજુગ, બ્રહ્મા ને વિષ્ણુ ! બોલતાં જ આવડે છે ! એ કરતા તું પથ્થર થયો હોત તો હજારો લોકોને ધોવાને કામ લાગત.