આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૩૧૧ )

સમયની રાહ જોતી હતી. એક મિનિટ તેને કાળ જેવી લાંબી લાગતી હતી અને તેના મનની અવસ્થા એવી હતી કે તેનું યોગ્ય વર્ણન પણ થઈ શકે નહી. બીજો ભીમદેવ દુશ્મનના હાથમાંથી બચ્યો, તથા પોતાની રાજધાનીમાં બીજે દહાડે સાંજરે પોંહોંચાશે, એ વિચારથી તથા પોતાનું ધારેલું કામ સિદ્ધ થયું અને દેવળદેવીને પોતાના ભાઈ શંકળ દેવને વાસ્તે લઇ જઈશ, એ વાતથી તેને ઘણો આનંદ થતો હતો. તે છતાં પણ એક દહાડો હજી કાઢવો છે, તથા તેટલા વખતમાં કદાપિ શી શી વિપત્તિ આવી પડે તેની તેને ખબર ન હતી તેથી તેને ઉંઘ આવતાં મુશ્કેલી પડતી હતી. તોપણ થોડી વારમાં તે ભર ઉઘમાં પડ્યો. ત્રીજી દેવળદેવીની સ્થિતિ સુખદાયક તથા દુ:ખદાયક એ બંને હતી. અગર જો સાચા તથા પવિત્ર પ્યારનો રસ્તો નિર્વિઘ્ન હોતો નથી, અગર જો તે રસ્તો ઘણો વિકટ તથા ખડબચડો હોય છે, અગર જો ધારેલી ઉમેદ પાર પાડતાં ઘણો વિલંબ લાગે છે, તથા વચમાં ઘણી ઘણી અડચણો નડે છે, તોપણ અંતે સાચા સ્નેહનો જય થાય છે; અંતે વહાલાનો સંયોગ થાય છે; અને અંતે આગલાં સઘળાં દુ:ખના બદલામાં ઘણું સુખ મળે છે. એ વાત ઉપર વિચાર કીધાથી દેવળદેવીના મનને ઘણો દીલાસો મળતો હતો, તથા તેનો જીવ ઘણો ઉલ્લાસમાં હતો. પણ તે બીચારી હજી બાળક હતી, તેને હજી કાંઈ અનુભવ ન હતો. તેણે માત્ર તડકો જ જોયો હતો, છાંયડાનો તો તેને અનુભવ જ ન હતો. દુનિયામાં કેટલી હરકતો નડે છે તે તે જાણતી ન હતી, માટે જેની છબી તેના અંતઃકરણમાં રહી હતી, જેનું તે નિરંતર મનન કર્યા કરતી હતી, જેની સાથે તેણે પહેલે જ પ્યાર બાંધ્યો હતો, તથા જેને તેણે પોતાનું તન, મન, અને ધન અર્પણ કીધેલું હતું તેનો કાલે મેળાપ થશે, એ આતુરતાથી જ તેના જીવને અત્યારે જરા પણ ચેહેન પડતું ન હતું. તે બીચારી દેવળદેવીને કાલે શું થવાનું છે તેની ખબર ન હતી. તે આસપાસની હકીકત પ્રમાણે પોતાના મનની સ્થિતિ રાખતી. ભીમદેવ તથા તેનાં માણસો બહારથી ચિંતા વિનાનાં દેખાતાં હતાં, તેને લીધે તેના મનમાં ધીરજ રહેતી હતી, તથા તેઓની ખુશીની સાથે તેને ખુશી થતી હતી.