આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૩૨૩ )

તુરત બોલાયું નહી. પણ થોડી વાર પછી તેણે આંસુ પોતાનાં કીમતી લુગડાં વડે લુંછી નાંખ્યાં, અને આકાશમાંથી ઓસ જેમ ધીમે પડે છે તેમ ધીમેથી તથા મૃદુ સ્વરે બોલી:– “હું દેવળદેવીની વિધાતા છું. હું અત્યાર સુધી તેનું રક્ષણ કરતી આવી છું. હવે આગળ ભય છે માટે પાછા ફરો, કોઈ ઠેકાણે આજની રાત મુકામ કરી કાલે સવારે જાઓ. મારું કહ્યું માનવામાં જ ફાયદો છે. જો તમારા દુર્ભાગ્યને લીધે હઠ કરી તમે આગળ જશો તો શું પરિણામ નિપજશે તેનો હું જવાબ દેવાની નથી. આ મારી છેલ્લી શિખામણ છે માનવી હોય તો માનો નહી તો હું તો જાઉં છું.” એટલું કહી તે સ્ત્રી અદશ્ય થઈ.

ભીમદેવ તથા દેવળદેવી તે સ્ત્રી અલોપ થયા પછી કેટલીએક વાર સુધી ત્યાં જ ઉભાં થઈ રહ્યાં. અને એક એકની સામું ટગરમગર જોયાં કીધું. શું કરવું તે સુઝે નહીં. એટલામાં પાછળના સવારો ત્યાં આવી પહોંચ્યા તેને જોઈને તે બંનેને હિમત આવી, અને હવે કાંઈ પણ ઠરાવ કરવો જોઈએ એમ તેઓને લાગ્યું. એટલે સુધી આવ્યા પછી જો તેઓ પાછા જાય તો સીપાઈ લોકોમાં તેની બહાદુરી વિષે ઘણો હલકો વિચાર આવે માટે આગળ ચાલવું જોઈએ. વળી ક્ષત્રિયનો ધર્મ એ છે કે કશાથી બીહીવું નહી ત્યારે આ પ્રસંગે ભય શા માટે રાખવો જોઈએ ? તેમાં વળી એક બઈરીથી ડરવું ? એ તો છેક નામરદાઈ માટે દેહેશત છોડી દઈ આગળ કુચ કરવી, દેવળદેવીને પણ પોતાના શંકળદેવને મળવાની એટલી તો આતુરતા હતી કે લેશમાત્ર વિલંબ પણ તેનાથી ખમાય એવું ન હતું, વળી તેની ખીલતી જુવાની હતી, તેવે વખતે ભય મન ઉપર થોડી અસર કરે છે. તેને તે જ દહાડે પોતાના પ્રાણપ્રિયને જોવાની એટલી તો હોંસ હતી કે તે બઈરી પોતાની વિધાતા છે એમ તેણે માન્યું નહી, પણ તે કોઈ વંતરી અથવા મલીન પ્રાણી હશે અને તેણે તેને અમથી ભડકાવી હશે, એમ માનીને તેણે મનમાં સંતોષ માન્યો. એ પ્રમાણે ભીમદેવ તથા દેવળદેવી બંનેની વૃત્તિ જવા તરફ થઈ. તેઓ તુરત પોતાના લશ્કરને જઈ મળ્યાં, અને આ બનાવ જાણે બન્યો જ નથી, એમ જાણી આગળ ચાલ્યાં.