આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૩૨પ )

રાખી ન હતી. વળી તેની સાથે દેવળદેવી હતી તેને સહીસલામત દેવગઢ લઈ જવાની તેને ઘણી ફિકર હતી. લડાઈમાં કોણ જાણે શું થાય ? જો હાર થઈ તો આટલું કષ્ટ સહીને તથા શ્રમ કરીને લાવેલી રાણી હાથમાંથી જતી રહે એ વિષે તેને ઘણી ચિંતા હતી. તે વખતે તેને પેલી ચીથરીયા બઈરી યાદ આવી, તથા તેનું કહેલું વચન પણ સાંભરી આવ્યું તેના કહ્યા પ્રમાણે તેણે મુકામ ન કીધો તેને હમણા ઘણો પશ્ચાત્તાપ થયો, અને હવે તે વિધાતાનું ભવિષ્ય ખરું પડશે એવી તેની ખાતરી થઈ, ને તેથી જ તેની સઘળી હિંમત જતી રહી, તેના મ્હોં ઉપરથી લોહી ઉડી ગયું અને તે છેક ઉદાસ થઈ ગયો, હવે શું કરવું ? પાછું તો જવાતું નથી, તેમ દેવગઢ જવાનો બીજો રસ્તો પણ ન હતો માટે લડાઈ કીધા વગર તેને છૂટકો ન હતો. પોતાની તરફ માણસો દુશ્મન કરતાં ઘણાં વધારે છે, તથા શૂર રજપૂતોને ફાટાતુંટા તુરકડાઓને મારી હઠાવતાં કાંઈ વાર લાગવાની નથી એવું કહીને તેણે પોતાના માણસોને હિમ્મત આપવાનું કર્યું. પણ તેનું મ્હોં જ તેના આ ઉત્તેજક શબ્દોને જુઠા પાડતું હતું. તેઓએ ભીમદેવને કોઈ વાર કાયર થયલો જોયો ન હતો, અને જ્યારે તે વખતે તેઓએ તેને નિરાશ તથા હિમ્મત હારેલો દીઠો, ત્યારે તેઓ સઘળાને એકદમ લાગ્યું કે આજે કાંઈ નવતરૂં કારણ છે, અને બધાના હાંજા ગગડી ગયા. તેઓએ બહારથી તો શૂરાતન દેખાડ્યું, પણ તેઓની છાતી ધડકતી હતી, તથા પગ બરાબર ઉપડતા ન હતા. એવી સ્થિતિમાં તેઓ મુસલમાનોની સામે યુદ્ધ કરવાને આગળ ચાલ્યા.

શત્રુઓ તેઓને વાસ્તે તૈયાર જ હતા. તેઓને પાસે આવતા જોઈ મુસલમાનએ “અલ્લાહુ-અકબર” ની જોરથી બૂમ પાડી. એ બૂમ રજપૂતોએ આજ પહેલાં સેંકડો વાર સાંભળી હતી તોપણ આ વખત તેથી તેઓના મન ઉપર ઘણી જ જુદી જાતની અસર ઉત્પન્ન થઈ. બંને લશ્કર સામસામાં મળ્યાં, અને મુસલમાન લોકો થોડા હતા તેપણ કાંઈ પણ દહેશત ખાધા વિના તેઓએ ભીમદેવના માણસો ઉપર ધસારો કીધો, તીરથી વાદળ છવાઈ ગયું, ચીચાચીસ તથા બૂમાબૂમથી કાન બેહેર મારી ગયા. એક તરફ શિરોહીની તથા બીજી તરફ