આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૩૩૭ )

ગયા; તથા તેના હાથ રહી ગયા. તે નીચે પડવા લાગ્યો અને જે વખતે તે બ્રાહ્મણ કુંડની પાળ ઉપર ગયો, ત્યારે તેની ચોટલી માત્ર બહાર દેખાતી હતી. આવી વખતે બ્રાહ્મણને પાણીમાં ભુસકો મારતાં કાંઈ વાર લાગી નહીં. તેની પાસે વધારે લુગડાંની કાંઇ ખટપટ ન હતી. માથે એક ટોપી હતી તે પાળ ઉપર મૂકી દીધી, અને જે ધોતીયું પહેરેલું હતું તે સાથે તે પાણીમાં પડ્યો. સારા ભાગ્યે કરણ અજવાળામાં હતો તેથી તુરત તે બ્રાહ્મણે તેની ચોટલી પકડી અને તેને પોતાની પાછળ ઘસડ્યો. પણ ડુબતા માણસને કાઢવાનું કામ કાંઇ થોડું જોખમ ભરેલું નથી. તેના મનને તો આખું જગત ડુબી જાય છે અને તે પોતાનો જીવ બચાવવાની મહેનતમાં તેના બચાવનારના જીવને જોખમમાં નાંખે છે. કરણે પાણીમાંથી બહાર નીકળતાં બ્રાહ્મણને ચુડ ભેરવી; ને ભટજી જો સારો તરનાર ન હોત તો તેઓ બંનેનું સમચરી એક જ દહાડે આવત. પણ ભટજી આટલા બોજા સાથે પણ થોડુંએક તર્યા અને જ્યારે વધારે વાર ઉપર ટકાયું નહી ત્યારે કરણના હાથને તેણે એવા જોરથી બચકું ભર્યું કે તેણે તુરત પોતાના હાથ છોડી દીધા, પછી એક આચકાની સાથે કરણને ઓવારા ઉપર નાંખ્યો. બ્રાહ્મણે બહાર નીકળી કરણને ઉંચકી લીધો અને વેરાગીની પાસે લાવીને નાંખ્યો. વેરાગી તે વખતે બીજી ચલમ ફૂંકતો હતો તેણે ઘણી બેપરવાઈથી કરણના બેભાન મુડદા જેવા શરીર તરફ જોયું, અને તે પુરો મરી ગયલો છે એમ જાણીને તે બ્રાહ્મણ ઉપર ક્રોધે ભરાઈને બોલ્યો: “અલ્યા બમન ! આ પ્રેતને ઈહાં ક્યાં લાવ્યો ? આ કુંડ તથા ધર્મશાળા ગોજારાં થયાં. એવી પીડાનું ઈહાં શું કામ છે? તેને કોઈ ખુણામાં નાખી આવ, કાલે સવારે ગામમાં ખબર આપીશું એટલે તેનાં કોઈ વહાલાં અથવા એાળખીતાં લઈ જશે; નહી તો તેને અવલ મંજલ પહોંચાડવાનો મહાજન લોકો કાંઈ પણ બંદોબસ્ત કરશે. આ મહાદેવના દેવાલયમાં મુડદાને રાખવું ન જોઈએ. આખું દેહેરૂં અપવિત્ર થાય, અને તેને શુદ્ધ કરવાને ઘણા પૈસા ખરચ લાગશે, અને બીજા લોકો આપણને ઠપકો દેશે. વળી આપણને રાજા પાસે જવું પડશે. ત્યાં કોણ જાણે શું થાય ? તે કુંડમાં શા સારૂં પડ્યો તે