આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૩૩૮ )

આપણને પૂછશે ત્યારે આપણે શો જવાબ દઈશું ? અને જવાબ બરોબર દેવાશે નહી તો રાજાને આપણા ઉપર વેહેમ આવશે. રાજા ગંડુ છે, તેનો શો ભરોસો ? વખતે આપણે કુતરાને મોતે માર્યા જઈએ, અથવા ગામમાંથી બહાર જવું પડે, એટલે આપણી પેદાશ જતી રહે ને આપણે ભુખે મરીએ, માટે એ બલાને તું ઈહાંથી ખસેડ, અને બહાર કોઈ ખુણામાં નાંખી આવ, તું તારું ભીનું ધોતીયું બદલી નાંખ, અને તને સરદી ચઢી ગઈ હશે માટે આ ચલમ તૈયાર છે તે લઇ ગરમ અને તાજો થઇ જા. ચાલ બચ્ચા, વેહેલો થા.”

વેરાગીનું આ બોલવું સાંભળીને બ્રાહ્મણના દિલ ઉપર ઘણી અસર થઈ, જેટલી જેટલી વાત બાવાજીએ બતલાવી તે સઘળી તેને ખરી લાગી, અને તેણે જે કામ કીધું તેનો તેને ઘણો પસ્તાવો થવા લાગ્યો. પણ હવે લાચાર; જે થયું તે થયું. તેના શરીરમાં ટાઢ ઘણી ચઢી ગઈ હતી. ટાઢાં પાણીમાં પડવાથી તેનો સઘળો નીશો ઉતરી ગયો હતો તેથી તેને જરા પણ ચેહેન પડતું ન હતું. ભટજી એક ઘડી પણ અમલના સુમાર વિના કોઈ દહાડે રહ્યા ન હતા, તેથી આવી વખતે બાવાજીને ચલમ ફુંકતાં તથા તેમાંથી તથા પોતાના મ્હોંડામાંથી ધુમાડા કાઢતાં તેણે જોયા ત્યારે તેનો જીવ આકુળવ્યાકુળ થઈ ગયો, તેની આંખે અંધારાં આવ્યાં, અને તેને કાંઈ પણ કામ સૂઝ્યું નહી. જયારે ભટજીને એવું થયું ત્યારે કરણની શી અવસ્થા થઈ હતી તે ઉપર જરા પણ નજર કીધા વિના તેણે કોરૂં ધોતીયું પહેર્યું, અને લાગલો જ ચલમનો એક જોરથી સપાટો માર્યો, અને તે સપાટાની સાથે જ જાગૃત થયો. પછી તેણે દીવો લાવીને કરણને તપાસ્યો તો તેનું શરીર તમામ મરી ગયલા જેવું લાગ્યું પણ હજુ જીવની નિશાની એટલી હતી કે તેની છાતી ધડકતી હતી, અને તેના નાકમાંથી ઉનો શ્વાસ નીકળતો હાથને લાગતો હતો. એટલા ઉપરથી તેને આશા આવી, અને કાંઈ ઉપાયથી તે હોંશીયાર થાય એવી તદબીર તેણે કરવા માંડી, તેણે પહેલાં તો તેના પેટ ઉપર ભાર મૂક્યો, એટલે સુધી કે તે તેના ઉપર બેઠો, એટલે તેના ભારથી આસરે ચાર પાંચ શેર પાણી તેના મ્હોંમાંથી નીકળી પડ્યું. જયારે વધારે પાણી નીકળ્યું