આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૨૮ )

મુખ્ય માણસો તથા દરબારના કામદાર લોકો ઘોડા, રથ, વિગેરે વાહનપર બેસીને ચાલ્યા, વચમાં વચમાં મલ, ભાંડ વગેરે હલકા લોકો પણ મોટો ઠાઠમાઠ કરી ચાલતા હતા. છેલે હાથી ઉપર રાજા આવ્યો. સ્વારીમાં ઘણીએક તરેહનાં વાજીંત્ર વાગી રહ્યાં હતાં, તેમાં રણસિંગડાં, ભુંગળ, શરણાઈ વિગેરેનો અવાજ બહાર નીકળી આવતો હતો. રાજા સઘળા લોકોને આખે રસ્તે માથું નમાવતો જતો હતો, અને લોકો તેને જોઈને નીચા વળી નમતા તથા હરખનો પોકાર કરતા હતા. કેટલાએક લોકો જેઓ ઉંચી બારીઓમાં બેઠેલા હતા તેઓ રાજા ઉપર ફુલના હાર, દડા, તથા છુટાં ફુલની વૃષ્ટિ વરસાવતા હતા. ઘણા લોકો રસ્તામાં ફુલ વેરતા હતા; અને કેટલાએક શ્રીમંત લોકો સોના રૂપાનાં ફુલ રાજાના માથા ઉપર વધાવતા હતા. તે વખતે લોકોની રાજા ઉપરની પ્રીતિ એટલી ઉભરાઈ જતી હતી કે જો બની શકે તો તેઓ પોતાનામાંથી થોડું થોડું આવરદા રાજાને આપવાને તૈયાર થાય. રાજા જુવાન અને ખુબસુરત હતો. તેની સાથે તે દહાડે એટલો તો મોહ પમાડે એવો તે લાગતો હતો કે સવારી જોવા મળેલી ઘણી સ્ત્રીઓએ તેનાં ઘણા હેતથી ઓવારણાં લીધાં.

સ્વારી શહેર બહાર કેટલેએક દૂર જઈ એક શમીના ઝાડ આગળ અટકી. ત્યાં હજારો બ્રાહ્મણો શમીપૂજન કરાવવાને તથા દક્ષિણા વહેંચાય તે લેવાને એકઠા થયા હતા. રાજા હાથી ઉપરથી ઉતરીને શમીવૃક્ષ આગળ જઈ ઉભો રહ્યો. તે વખતે રાજ્યગોરે આવી સરપાવ માગ્યો, “રાજાધિરાજ ! કાંઈ આપો તો પૂજનના કામનો આરંભ થાય.” તે જ ક્ષણે નાણાંની એક થેલી ગોરને મળી. બીજા બ્રાહ્મણો પણ પોતપોતાના યજમાન પાસે ગયા, અને કહેવા લાગ્યા: “મહારાજ ! આજે રામચન્દ્રજીએ દુષ્ટ રાવણ ઉપર ચઢાઈ કરી, અને આજે પાંડુપુત્ર વૈરાટ નગરમાં પેંઠા. આજે અર્જુન તથા તેના ભાઈઓએ શમીપૂજન કીધું, અને પોતાનાં શસ્ત્રને તે વૃક્ષ ઉપર લટકાવ્યાં; માટે આજ એ શમી એટલે અપરાજિત દેવીનું પૂજન કરવાનો ઘણો ધર્મ છે.” પછી તેઓએ પહેલાં તો તે ઝાડને પંચામૃતનું સ્નાન કરાવ્યું.