આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૨૯ )

તેના ઉપર પાણી છાંટ્યું, અને ચંદન પુષ્પ ચઢાવ્યાં; અપરાજિત દેવી આગળ દીવો કીધો; ઝાડ ઉપર ચાંલ્લા કરી હાર ચઢાવ્યા; ગુલાલ અબીલ નાંખ્યાં; નૈવેદ મુક્યું; અને રાજા પાસે પ્રદક્ષિણા કરાવી. પછી તેઓએ વારાફરતી દશ દિગ્પાળની પૂજા કીધી, તેમાં પહેલાં ઇંદ્ર એટલે પૂર્વના દેવની કીધી, પછી રાજાએ તથા બીજા લોકોએ બળેવને દહાડે બાંધેલી રક્ષા તોડી ઝાડ ઉપર ફેંકી દીધી. તે થયા પછી શમીના મૂળ આગળથી થોડું થોડું મટોડું તથા તેનાં પાત્રાં, સોપારી તથા જુઆરા બ્રાહ્મણોએ સઘળાને આપ્યાં, અને કહ્યું કે આ સઘળાંને એકઠાં માદળીયામાં ઘાલી જયારે પ્રવાસ કરવા જાઓ ત્યારે રાખજો. હવે પૂજન પુરૂં થયું એટલે રાજાની તરફથી દક્ષિણા થઈ, અને ખાનગી ગૃહસ્થોએ પણ પોતપોતાની શક્તિ તથા બાપદાદાના સંપ્રદાય પ્રમાણે દક્ષિણા આપી, અને અગર જો કે એ દક્ષિણા હંમેશાંના કરતાં કાંઈ થોડી ન હતી તો પણ ધારા પ્રમાણે સઘળા બ્રાહ્મણો કાળનો વાંક કાઢી સારી પેઠે બબડ્યા, પોતાનાં છોકરાંની આગળ કેવી અવસ્થા થશે તે વિષે ઘણું ફીકર કરવા લાગ્યા, અને છેલ્લે ભાગ વહેંચવામાં બોલચાલ ઉપરથી ગાળાગાળી અને ગાળાગાળીથી મારામારી ઉપર આવી ગયા, અને જો કેટલાએક વૃદ્ધ બ્રાહ્મણો ત્યાં કજીયો પતાવવામાં ન હોત તો થોડું લોહી પણ તે દિવસે અપરાજિત દેવીને અર્પણ થાત.

એ બ્રાહ્મણોને લડતા તથા શોરબકોર કરતા રહેવા દઈને રાજાની સ્વારીની સાથે આપણે પણ પાછા વળીએ. સ્વારી થોડી આગળ ચાલ્યા પછી રાજાએ પાછા ઉતરીને ગઢેચી માતા એટલે કિલ્લાનું રક્ષણ કરનારી દેવીનું પૂજન કરી ફરીથી ત્યાંના બ્રાહ્મણોને દક્ષિણા આપી. ત્યાંથી સ્વારી ચાલી તે ઠેઠ કિલ્લા સુધી આવી પહોંચી ત્યાંસુધી અટકી નહી. કિલ્લા આગળ એક મોટું ચોગાન હતું ત્યાં લાખો લોકો એકઠા થઈ રહ્યા હતા. ત્યાં સ્વારો, પાયદળ, ઘોડા, હાથી અને છેવટે રાજાનો હાથી એ સઘળા ઉભા રહ્યા. પછી એક ઠેકાણે, મલ્લો, જેઓ આખા વરસ સુધી દુધ, દહીં, ને ઘી ખાઇ ખાઇને જાડા થઈ ગયા હતા તેઓ કુસ્તી કરવા લાગ્યા, તે જોવાને લોકોનું એક મોટું ટોળું ત્યાં એકઠું થયું