આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૩પપ )

તે વખતે બે ત્રણ પઠાણો આગળ ધસ્યા, અને તેઓએ રાજાને પકડ્યો; પણ એટલામાં પાછળથી એક તલવારનો ઘા પડ્યો, અને એક પઠાણનું માથું હેઠે ભોંય ઉપર ગબડ્યું, પણ તે અરસામાં બીજા પઠાણે પાછળ ફરી એક ભાલાના ઘાથી તેના સોબતીના મારનારને ભોંકી દીધો અને તેનો અંત આણ્યો. એ પ્રમાણે રાજા જીવતો પકડાયો; ભીમદેવ ઘાયલ થઈ ભોંય ઉપર પડ્યો. બધું લશ્કર નાસવા લાગ્યું; અને રાજાનો માનીતો શૂરો સરદાર પઠાણના ભાલાના ઘાથી જમીન ઉપર તરફડતો પડ્યો.

પણ તેનાં તરફડીયાં થોડી જ વાર રહ્યાં. થોડી વારમાં આ ઘાયલ થયલા તથા કોચાઈ ગયલા શરીરમાંથી તેને અમર વસનાર ઉડી ગયો, અને તેના સર્વશક્તિમાન પેદા કરનારની હજુરમાં જઈ ઉભો રહ્યો. એ પ્રમાણે ગુર્જર દેશના છેલ્લા રજપૂત રાજા કરણ વાઘેલાનો અંત આવ્યો. વનરાજ, સિદ્ધરાજ, કુમારપાળ, અને એવા શૂરા અને નામાંકિત રજપૂત રાજાઓની ગાદીએ બેસનાર કરણ રાજા એ પ્રમાણે માર્યો ગયો, અને તેની સાથે ગુજરાતનું રજપૂત રાજ્ય ડુબી ગયું તે ફરીથી પાછું ઠેકાણે આવ્યું નહી. વાંચનારાઓ ! આ કરણના શબ ઉપર થોડાં થોડાં આંસુ પાડો, તેના મોત પછી ગુજરાત રંડાયું, તે પારકા દેશના મ્લેચ્છ લોકના હાથમાં ગયું, તેના ઉપર પરદેશી જંગલી લોકોનો જુલમ પડવા લાગ્યો. મહમ્મદ બેગડા અને એવા બીજા અમદાવાદના પાદશાહોએ તેની ઘણી ખરાબી કીધી. મરેઠા લોકોએ તેની ઉપર અતિશય લુંટફાટ કીધી, દેશમાં નાના ખંડિયા રાજાઓ થઈ ગયા, અને એ પ્રમાણે ગુજરાતની છેક દુર્દશા થઈ. ગુજરાતનું સ્વતંત્ર રજપૂત રાજ્ય આ પ્રમાણે લય પામ્યું; ગુજરાતનો મહિમાનો વખત પુરો થયો; તેની ઠેકાણે ઠેકાણે ભાંગી તુટી નિશાની માત્ર રહી ગઈ છે. હજી સિદ્ધપુરની રૂદ્રમાળા, પાટણનું સહસ્ત્રલિંગ તળાવ, અને બીજી ઈમારતો, એ ગયેલા દહાડાની સાક્ષી પૂરે છે, તથા રજપૂતોની એક વાર થયલી ચઢતી કળા દેખાડી આપે