આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૩૨ )

કરવાનો પ્રધાનને હુકમ કરવો એવો પોતાના મનમાં નિશ્ચય કીધો રાજસંબંધી વાત કોઈ પણ ઠેકાણે તેના સાંભળવામાં આવી નહી. જ્યાં જ્યાં કાંઈ પણ વાત થતી હતી, ત્યાં સવારીની જ વાત ચાલતી હતી. તેમાં સઘળાં તેના રૂપ, ગુણ, લુગડાં, ઘરેણાં, ઈત્યાદિનાં વખાણ કરતાં હતાં. એટલું સાંભળી રાજાનું મન તૃપ્ત થયું નહી તેથી શહેર બહાર ચાંદનીમાં ફરવા જવાનો તેણે નિશ્ચય કીધો.

દરવાનને થોડા પૈસા આપી દરવાજો ઉઘડાવ્યો, અને મેદાન ઉપર નીકળી ગયો, તે દહાડે શરદ મહિનાનો ચંદ્ર ખીલી રહ્યો હતો. આકાશ ઘણું જ નિર્મળ હતું. ચાંદરણાથી બધું મેદાન રૂપેરી રંગનું હોય એમ દેખાતું હતું. તેમાં વચમાં વચમાં ઘાસ ઉગેલી લીલી જગા હતી, તે ગૌરવર્ણની સ્ત્રીના હાથ ઉપર લીલમની વીંટીના જેવી માલમ પડતી હતી, તે ઠેકાણે કોઈ પ્રાણી નજરે પડતું ન હતું; પણ પાણીનાં ખાબોચીયાંમાંથી દેડકાઓ ડ્રેંડુંડ્રેંડુ કરતા હતા. કંસારીઓ જગાએ જગાએથી બંધ ન પડે એવો અવાજ કરતી હતી, અને કોઈ ઠેકાણેથી સાપનો શબ્દ પણ સંભળાતો હતો. એવી રીતે રાત રમણિક લાગતી હતી. આગળ ચાલતાં તેઓ સ્મશાન પાસે આવી પહોંચ્યા, ત્યાં ચાંદરણામાં ઝાડની છાયાથી અન્ધારું પડતું હતું; અને સ્મશાન એ નામથી જ તે જગા ભયાનક લાગતી હતી ત્યાં ઉભા રહીને રાજાએ દૂર નજર કીધી તો એક ઝાડ નીચે મોટું તાપણું તેના જોવામાં આવ્યું, અને તે બળતાંની આસપાસ કેટલાંએક બઈરાં કુંડાળું ફરતાં તેણે જોયાં. રાજાને તે તમાશો જોવાની ઘણી મરજી થઈ, તેની પાસે તલવાર તથા ખંજર હતાં તેથી તેના મનમાં બીહીક થોડી હતી. ખવાસ તો તે જોઈને ધ્રુજવા લાગ્યો, અને હાથ જોડી બોલ્યો, “મહારાજ, એ તો કોઈ ડાકણી, યક્ષણી, પિશાચ, વંતરી અથવા એવી કોઈ બાયડીઓ હશે, માટે તેઓની પાસે જવામાં કાંઈ ફળ નથી.” પણ રાજા કરણ એક વાત મનમાં લેતો તે કદી છોડતો નહી, અને વળી બીહીને ત્યાં ન જવાથી રજપૂતની બહાદુરીને કલંક લાગે, માટે ગમે તે થાય તો પણ જવું એવો દૃઢ નિશ્ચય કરી તે આગળ ચાલ્યો.