આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૪૩ )

થનાર નથી. વિધાતાએ લલાટમાં જે લેખ લખ્યા હશે તે કદાપિ ફરવાના નથી, માટે હવે તો જે માથે આવી પડે તે મૂગે મ્હોડે સહન કરવું.”

એ પ્રમાણે રૂપસુન્દરી રાજાના મહેલમાં વિચાર કરે છે, તે વખતે આખા શહેરમાં તેમ જ માધવના ઘરમાં ઘણો જ જુદો દેખાવ થઈ રહ્યો હતો. રૂપસુંદરીનું હરણ તથા કેશવનું મરણ થયું, એ ખબર આખા શહેરમાં ચાલ્યાથી સઘળે હાહાકાર થઈ રહ્યો. ઘેરઘેર, દુકાને દુકાને, ચકલે તથા મોહલે મોહલે એની એ જ વાત ચાલવા માંડી. માધવ ઉપર આવી ભારે આફત આવી પડી તેથી તે બીચારા ઉપર સઘળાં દયા લાવતાં હતાં. માણસો વાત કરતા હતા કે હવે રાજા કેાને પ્રધાન કરશે, અને તે વિષે અનેક અટકળ કરતા હતા. કેશવને તો બીચારાને કોઈએ ગણ્યો જ નહીં પણ રાજાની આ દુષ્ટ રીતથી સઘળાના મનમાં ત્રાસ પેસી ગયો. આજ તેને ઘેર ને કાલે આપણે ઘેર મ્હોકાણ મંડાય એવી સઘળાના મનમાં ફીકર ભરાઈ, વળી રાજધાનીના શહેરમાં બ્રહ્મહત્યા થઈ તેથી રાજ્ય ઉપર ઈશ્વર તરફથી શેા કોપ થશે એ વિષે ફિકર કરવા લાગ્યા. સઘળા ભારે ઉદાસીમાં પડેલા હતા. બાયડીઓ સઘળી રૂપસુંદરીની વાતો કરતી હતી. કેટલીએક કહેતી હતી કે પકડાઈ તે વખતે તેણે પોતાનો પ્રાણ કાઢવો હતો; બ્રાહ્મણ ટળી રજપૂત થવું પડશે તે કરતાં મોત હજારગણું સારું, કેટલીએક કહેતી હતી કે એ બીચારી શું કરે ? જીવ તો હાથે કેમ કઢાય? પરમેશ્વરે એને રૂપ આપ્યું તેમાં એનો શો વાંક ? રજપુત તે રજપુત પણ જીવ કાંઈ કઢાય નહીં, કેટલીએક બોલતી કે રાજા તો રૈયતને માબાપ, અને જ્યારે તે પોતાનાં છોકરાં ઉપર આવી દુષ્ટ નજર કરે, અને જોરજુલમથી બાયડીઓને પકડી લઈ જાય ત્યારે રાજયમાં રહેવાય પણ કેમ ? આજે એને અને કાલે બીજા કોઈને. પરમેશ્વર રાજાના એ બે અપરાધ સાંખવાનો નથી. જોજો થોડા દહાડા પછી એના ઉપર ભારે દુ:ખ આવી પડશે, એની રાણીને કોઈ લઈ જશે, અને રાજાને પાપે આખી રૈયત દુ:ખી થશે. ભગવાને જે ધાર્યું હશે તે થશે. એ પ્રમાણે આખા નગરમાં ચર્ચા ચાલી રહી હતી.