આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૪૯ )

માંદાં છોકરાંને ત્યાં સતી માતાનાં દર્શન કરાવવા લાવી હતી તેના ઉપર સતી માનો હાથ મુકાવવાને તેઓ ઘણી આતુર હતી. તે સઘળાંને રાજી રાખવાને બધાં માંદાં છોકરાંને આશીર્વાદ દીધો, એટલે તેઓ સુસ્ત થઈ પડી રહ્યાં હતાં તે હસવા તથા રડવા લાગ્યાં. લોકો આવેલાં કોઈ જાય નહી, અને નવાં આવ્યાં જ કરે તેથી શબ લઈ જવાને વખત ન મળે માટે બ્રાહ્મણોએ સઘળા લોકોને ઘર બહાર કાઢી મુક્યા, અને શબને બહાર કાઢ્યું, એવે વખતે સાધારણ રીતે જે રડારડ તથા બુમાબુમ પડે છે તે કાંઈ તે વખતે ત્યાં થયું નહી જ્યાં સતી થવાની હોય ત્યાં રડવાનું કામ બંધ પડે છે, સતી હાથ ચોળતાં અને હાથમાંથી હિંગળોક વેરતાં વેરતાં બહાર આવી સુખાસનમાં બેઠાં. આગળ પાછળ લોકોનું ટોળું અને વચમાં શબને ઉંચકનારા બ્રાહ્મણો તથા સતીનું સુખાસન હતું. લોકો પાછળથી “જય અંબે” “જય અંબે” “અંબે માતકી જય” કરતા હતા, અને તેમાં સતી મા પણ સામેલ થતાં હતાં. આગળ રણશિંગડાં, શરણાઈ, તુરાઈ, ઢોલ, નોબત, ઘંટા, ઘડિયાળ, શંખ, થાળી, ઝાંઝ વગેરે વાજીંત્રનો એકત્ર થયલા જેવા પણ બેસુરો તથા ભયાનક નાદ થતો હતો. એવી રીતે તે સઘળાં શહેરના દરવાજા આગળ આવ્યાં, તે વખતે વાંઝિયાં બૈરાં પુત્રવંતાં થવા સારૂં સતી માતાના હાથ માથે મુકાવવા આવ્યાં, તેઓ સઘળાંને તેણે રાજી કરી પાછાં વાળ્યાં, જે સ્ત્રીઓને સાસરે અથવા પિએર દુ:ખ હતું, જેઓનો ધણી તેઓના કહ્યાસર નહીં હતા, જેઓને રંડાપો વહેલો આવશે એમ લાગતું હતું, જેઓને છોકરાં આવતાં પણ જીવતાં નહી, તે સઘળાંને સતી માએ આશીર્વાદ દીધો, પછી પુરૂષોનાં ટોળેટોળાં પોતપોતાનાં ધારેલાં કામ પાર પડે એવા હેતુથી સતીને પગે પડી આશીર્વાદ માગવા લાગ્યાં. તેઓ સઘળાં તૃપ્ત થયાં. ત્યાર પછી જે કોઈએ કોઈ પણ વખત સતીના ઉપર દ્વેષ રાખ્યો હશે, જેએાએ ખુલ્લી રીતે તેને અપશબ્દ કહ્યા હશે, અથવા ગાળો દીધી હશે, તેઓએ પણ તેની પાસેથી ક્ષમા માગી, તે તેમને મળી, આગળ ચાલતાં શબને દરવાજા બહાર વિસામા ઉપર મુક્યું, અને ત્યાં ધારા પ્રમાણે પિંડદાન કરવામાં