આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૫૧ )


એ વચન સાંભળીને તથા તે બોલતી વખતે સતીમાનું દેવતાઈ તથા ઉગ્ર સ્વરૂપ જોઈને પેલો રજપૂત તો પગથી માથા સુધી થરથર ધ્રુજવા લાગ્યો અને તેના મનમાં એવા તો વિરૂદ્ધ વિકારો ઉત્પન્ન થયા કે તેના જોરથી તેને ચકરી આવી, અને જો પાસેના લોકોએ તેને પકડી લીધો નહી હોત તો તે ભોંય ઉપર પડત. તેને એવી અવસ્થામાં જોઈને તે કોણ છે, અને તેને બીજા કરતાં આટલો વધારે શોકાતુર થવાનું શું કારણ છે તેની તજવીજ કરવાની બીજાઓને ઘણી ઈચ્છા થઈ; પણ તે ગડબડાટમાં તે ઉઠીને એવો તે સટકી ગયો કે ગમે તેટલું શોધ્યા છતાં પણ તે જડ્યો નહી અને તેથી લોકોનું આશ્ચર્ય વધ્યું, અને તે કોઈ પરલોકને પુરૂષ હશે એમ બધા લોકોના મનમાં શંકા ઉત્પન્ન થઈ. લોકોમાં પણ ભારે વાતો ચાલવા લાગી. સતીનો શાપ સાંભળીને સઘળાંઓનાં લોહી ઉડી ગયાં. ધનવંત લોકોએ પોતાનું ધન સંતાડવાનો મનસુબો કીધો; દરબારી લોકો શી રીતની આફત આવી પડશે તે વિષે અટકળ કરવા લાગ્યા. બીજા લોકો મ્હોં લાંબાં કરી રાજાનાં સઘળાં આગલાં કામો સંભારવા લાગ્યા. લુચ્ચા ચોર અને એવા લોકો જેઓને રાજ્યની ઉથલ પાથલમાં હમેશાં લાભ થાય છે તેઓ અંતઃકરણમાં ખુશ થઈને ખરાબીને દહાડો જેમ બને તેમ જલદી આવે એમ પરમેશ્વર પાસે માગવા લાગ્યા; અને જે વખતે હરામીના બે ભાગ થાય તે વખતે ગરીબનો મારો થાય જ, એ નિયમથી બ્હીને ગરીબ નબળા લોકોએ શહેર છેડી પરદેશમાં વસવાને નિશ્ચય કીધો.

એવા વિચારમાં ને વિચારમાં તેઓ શબની સાથે સ્મશાનમાં આવ્યા, અને ઉંચકનારા બ્રાહ્મણોએ તે શબને ઉતારીને નદીના પાણીમાં ડુબતું મુકી ચિતા તૈયાર કરવા માંડી. માણસના આત્મા વગરના શરીરને વાયુ તથા પૃથ્વીમાં મેળવી દેવાનો જે ઉપાય કરવામાં આવ્યો હતો તે ઉપર સઘળાએાની નજર દોડી, બાવળની સાથે અગર તથા સુકડનાં લાકડાંની એક ચોરસ ચિતા સીંચી હતી, અને તેના ઉપર એક લાકડાંની મઢુલી બનાવી તેની ચારે બાજુએ ઘાસ, કાંટા તથા બીજા જલદીથી મળે એવા પદાર્થથી ઢાંકી નાંખી હતી.