આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પ્રથમાવૃત્તિની પ્રસ્તાવના.


આ પ્રાંતના ઘણા ખરા લોકોને ગુજરાતી કવિતામાં લખેલી વાર્ત્તાઓ વાંચવાનો ઘણો શોખ છે, પણ હજી સુધી એવી વાર્ત્તાઓ ગદ્યમાં લખાયેલી ગુજરાતી ભાષામાં ઘણી જ થોડી છે, અને જે છે તે લોકમાં પ્રસિદ્ધ નથી, આ ખોટ પુરી પાડવાને તથા અંગ્રેજી ગાથા તથા વાર્ત્તાના જેવાં ગુજરાતીમાં પુસ્તકો તૈયાર કરાવવાને આ પ્રાંતના માજી એજ્યુકેશનલ ઈન્સપેકટર મહેરબાન રસલ સાહેબે મારી આગળ પોતાની મરજી જણાવી તથા એવી એક વાર્ત્તા બનાવવાને તે સાહેબે મને કહ્યું. તે ઉપરથી આ પુસ્તક મેં આસરે ત્રણ વર્ષ ઉપર રચ્યું, પણ કેટલાંએક કારણેને લીધે તેને જલદીથી છપાવવાનું બન્યું નહી.

જેઓએ અણહિલપુર પાટણનો ઇતિહાસ વાંચ્યો હશે તેઓ આ પુસ્તકમાં લખેલી કેટલીએક બીનાથી જાણીતા હશે. કરણ ઘેલા વિષે જેટલી હકીકત ઇતિહાસ ઉપરથી જણાય છે તેમાં બીજી નવી કલ્પિત વાતો ઉમેરીને આ વાર્ત્તાનો વિસ્તાર કીધો છે, જે વખતે આ સઘળી બીનાઓ બની તે વખતે લોકોની રીતભાત કેવી હતી, તેઓના વિચાર કયા પ્રકારના હતા, ગુજરાતના રજપૂત રાજા તથા દિલ્હીના મુસલમાન પાદશાહની રાજનીતિ વગેરે કેવી હતી, રજપૂતોના પુરૂષો તથા સ્ત્રીઓનું શૂરાતન તથા જાત અને કુલ અભિમાન કેટલું હતું, મુસલમાનોમાં કેટલો જુસ્સો, ધર્માંધપણું, તથા હિંદુઓ ઉપર અને તેઓના ધર્મ ઉપર કેટલો દ્વેશ હતો, એ વગેરે બીજી કેટલીએક હકીકતોનું જેમ બને તેમ ખરેખરું ચિત્ર બતાવી આપવું એ જ આ પુસ્તકનો હેતુ છે, એ હેતુ કેટલે દરજ્જે પાર પડ્યો છે તેનો નિર્ણય