આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૫૮ )

કરી જવા દઈએ તો દુનિયામાં ગુન્હેગારની સંખ્યા વધી જાય, અને જેટલા ગુન્હા થાય તે સઘળાનું પાપ આપણે માથે પડે. પરમેશ્વરની શિક્ષાથી થોડા જ બીહે છે. કોણ તે જોઈ આવ્યું છે ? જે સરકાર ઈનસાફ મુકી દઈને લોકોને કહે કે જે ગુન્હો કરશે તેનો બદલો તેને પરમેશ્વર તરફથી મળશે તો પછી ગુન્હો કરવાથી કેટલા અટકે છે તે જણાય. માટે વેર તો લેવું જ જોઈએ, અને જ્યારે આપણી બાબતમાં ગુન્હેગાર રાજા છે ત્યારે સ્વહસ્તે વેર લેવું, અને જો તેમ ન લેવાય તો જ તેને પરમેશ્વરને સોંપવો.

એવા વેરના તરંગ સિદ્ધપુરમાં રૂદ્રમાળાના દેવસ્થાનના સરસ્વતી નદી ઉપર જવાનાં પગથીયાંની પગથાળ ઉપર એક જુવાન માણસ રાતને વખતે ફરતો હતો તેના મનમાં ઉઠતા હતા. તેની છાતી ક્રોધથી ઉભરાઈ જતી હતી, અને તેનો ક્રોધ વ્યાજબી છે એમ જાણી સૃષ્ટિ પણ તેવી જ રીતે ક્રોધાયમાન દીસતી હતી. સરસ્વતી નદીમાં એટલું તો જોરથી પૂર વહેતું હતું કે તેમાં ઝાડનાં ઝાડ તથા મુએલ જાનવર ઘસડાઈ જતાં હતાં. આકાશ વાદળાંથી એવું તો ઘેરાઇ ગયલું હતું કે સામો માણસ અથડાય ત્યાં સુધી તેનું મ્હોં દેખાતું નહીં, વરસાદ પણ ઝરમર ઝરમર આવતો હતો, પવન એટલા જોરથી વાતો હતો, કે તેના ઘુઘવાટથી છાતી ધબકયા વિના રહે નહીં. તેની સાથે વાયુબળથી પાણી ગજગજ ઉંચાં ઉછળતાં હતાં. ઝાડો ભોંયની સાથે અફળાતાં, અને કેટલાંએક તો જડમૂળથી ઉખડી જશે એમ લાગતું હતું. આકાશમાં વિજળીના ઝળકાટ થઈ રહ્યા હતા, અને તેથી જ વખતે વખતે અજવાળું પડતું તે વડે રૂદ્રમાળાના કીર્તિસ્તંભ, તેનું નકશીદાર તોરણ, નાનાં નાનાં દહેરાંનાં શિખરો, વગેરે જણાતાં હતાં. વિજળી થઈ રહ્યા પછી ગર્જનાના કડાકા એવા તો જોરથી થતા કે તેના જોરથી તથા પવનથી બધું દેવસ્થાન તુટી પડશે એવી દહેશત લાગતી હતી. એવી વખતે, એટલે જ્યારે ઈશ્વર કોપાયમાન થયો હોય એવો દેખાવ ચોમેર થઈ રહ્યો હતો ત્યારે માણસ ક્રોધને વશ થાય એમાં શું આશ્ચર્ય ? એવે વખતે