આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( પ૯ )

મનને શાંતિ થવાને બદલે તે વધારે જોશ ઉપર ચઢે. અને જેવો સઘળો દેખાવ કાળો તેવાં કાળાં કામ કરવાને મન પ્રવૃત્ત થાય એમાં શું નવાઈ ? એવી સ્થિતિ તે વખતે માધવના મનની હતી. તેનું શરીર ધ્રુજતું હતું, અને તેના મનની અવસ્થા તેના શરીરની અવસ્થા ઉપરથી જણાઈ આવતી હતી. તેણે મોતીશાના મ્હોંથી ફરી સઘળી વાત સાંભળી લીધી, અને તેથી ઉલટું અગ્નિમાં તેલ હોમાયું. આવી વખતે તેણે મોતીશાનો ઉપકાર પણ માન્યો નહી. જે વખતે માધવના તમામ મિત્રો તેને છોડી ગયા, તે વખતે એ શાહ પોતાનું ઘર, ધણીઆણી, છોકરાં, દોલત તથા બીજું સુખ તજીને પોતાના અસલ મિત્રને સહાય કરવા આવ્યો. જેના ઉપર રાજાની ઈતરાજી થઈ તેની પાસે ઉભા પણ રહેવું નહીં એવો જેઠાશાનો મત હતો, પણ તે ન જાણે તેમ શહેરમાંથી તે નીકળી આવ્યો, મિત્રાચારી તો એવી જ જોઈએ; અને એવી પ્રીતિ જુવાનીમાં જ્યારે અંતઃકરણ ગરમ હોય છે ત્યારે જ થાય છે. ઘડપણમાં જ્યારે સ્વાર્થનું જોર વધે છે ત્યારે પ્રીતિ ઓછી થાય છે, માટે ઘરડા માણસોમાં એવી મિત્રાચારી ક્વચિત જ હોય છે.

રાત ઘણી ગયા પછી મોતીશા તથા માધવ દહેરાંની એક ધર્મશાળામાં સુતા. પણ માધવને ઉંઘ આવે નહીં; વેર વેર તેના આખા શરીરમાં વ્યાપી ગયું હતું અને તે શી રીતે લેવું તેના વિચારમાં ને વિચારમાં તેણે પછાડા માર્યા કીધા. કેટલીએક વારે તે અર્ધ ઉંઘમાં પડ્યો, એટલે તેના સામી એક ઘણી રૂપાળી સ્ત્રી આવીને ઉભી રહી. તેનું તેજ એટલું હતું કે માધવની આંખ ઉઘડી ગઈ અને તે બોલ્યો: “વેરદેવી, તું માનવ હોય કે દાનવ, મૃત્યુલોકમાંની કે સ્વર્ગલોકમાંની ગમે તે હોય, પણ દુષ્ટ કરણ રાજાનું વેર શી રીતે લેવું તે બતાવ.” સ્ત્રી બોલી “અલ્યા માધવ ! તું નાગર છે તેથી તું મારો આશ્રિત છે. હું જગતની માતા, અંબા ભવાની છું, અને મારો વાસ આરાસુર પર્વતની ઉપર છે, માટે તું મારૂં દર્શન કરવાને ત્યાં આવજે એટલે હું તને શું કરવું તે બતાવીશ.” એવું કહી માતાજી અદૃશ્ય થઈ ગયાં, અને માધવ આસપાસ જોવા જાય છે તો ત્યાં કાંઈ જ દીઠું નહી.